રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2023 (11:18 IST)

કડકડતી ઠંડી બાદ હવે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેજો, ૪૦ ડિગ્રીએ પહોંચશે પારો

ધીમે ધીમે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે પરંતુ રાત્રે તથા વહેલી સવારે હજુ પણ બરફીલી ઠંડી અનુભવાઈ રહી છે. આ વર્ષે શિયાળાની અસર ડિસેમ્બરના બદલે જાન્યુઆરીમાં વધુ અનુભવાઈ હતી. આ પછી ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આવામાં હવે ફેબ્રુઆરી પૂર્ણ થતા સુધીમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
પવનની દિશામાં ફેરફાર થતા તાપમાનમાં જલદી ફેરફાર થતો જોવા મળશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે, અને આ દિશામાં ફેરફાર થવાથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઊંચું આવી રહ્યું છે. જોકે, ચાલુ અઠવાડિયા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી.
 
જોકે, ફેબ્રુઆરી આગળ વધતા ઠંડીનું જોર ઘટતું જઈ રહ્યું છે. જાન્યુઆરી પછી ઠંડીના જોરમાં ઘટાડો થઈ રહ્યો છે અને પાછલા એક અઠવાડિયામાં રાજ્યમાં તાપમાનમાં ૩-૪ ડિગ્રીનો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં અઠવાડિયા પહેલા જે તાપમાન ૨૮ ડિગ્રી હતું તે હવે વધીને ૩૨ પર પહોંચ્યું છે.
 
આગામી દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચો જતા આકરા ઉનાળાની શરુઆત થઈ શકે છે. અમદાવાદ સિવાય ભૂજમાં પણ મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં ગાંધીનગર અને મહુવામાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી નોંધાયું હતું.
 
રાજ્યના મોટાભાગના ભાગોમાં તાપમાનનો પારે ૩૦ને પાર થઈ ગયો છે. જોકે, દ્વારકા અને ઓખામાં અનુક્રમે લઘુત્તમ તાપમાન ૨૫ અને ૨૬ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં ૧૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં લઘુત્તમ તાપમાન ૧૫ અને તેનાથી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન દ્વારકા અને ઓખામાં ૨૦ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬ અને ગાંધીનગરમાં ૧૫ નોંધાયું હતું.