નવરાત્રિના દિવસોમાં અમદાવાદીઓને મેટ્રો ટ્રેન સેવાની ભેટ મળી શકે છે. લાંબા સમયથી અમદાવાદીઓ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતા. અમદાવાદ મેટ્રોના ઉત્તર-દક્ષિણ કોરિડોર પર હાલમાં ટ્રેનના ટ્રાયલ ચાલી રહ્યાં છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની ટીમ 20 ઓગસ્ટે 40 કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં કામગીરીનું નીરિક્ષણ કરશે. આ પૂર્વે દરેક ટ્રેને 320 કિલોમીટરનો ટ્રાયલ રન પૂર્ણ કરવાનો રહેશે. CMRSની ટીમ મેટ્રો સેવાને શરૂ કરવાની લીલી ઝંડી આપી શકે છે. જે બાદ ગુજરાત મેટ્રો રેલ સેવાએ અંતિમ મંજૂરી મેળવવા માટે જરૂરી કાગળની કાર્યવાહી કરવી પડશે. CMRSના પાલનમાં 15થી 20 દિવસનો સમય લાગી શકે છે. આમ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડી શકે છે.અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધીનો છે. તો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો છે. ઉત્તર-દક્ષિણ (NS) કોરિડોરની લંબાઈ 18.89 કિલોમીટર છે, તથા 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પુર્ણ થઇ ગયું છે, તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022 માં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવ્યા હતા