રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2023 (13:07 IST)

Ahmedabad News - અમદાવાદમાં 176 વર્ષ જુના હઠીસિંહના દેરાનું સમારકામ ચાલુ, કચ્છથી 100 ટન ચૂનો મગાવાયો

news of gujarat
શાહીબાગમાં આવેલા હઠીસિંગના દેરાં 176 વર્ષ જૂના છે. હાલ અહીં મોટાપાયે સમારકામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આ સ્મારકનું બે વખત સમારકામ કરવામાં આવ્યું છે. અગાઉ 100 વર્ષ પહેલાં સમારકામ કરાયું હતું. લગભગ બે દાયકા પહેલાં આવેલા ભૂકંપને કારણે બહારની બાજુ તિરાડો પડી ગઈ છે. જૂની પદ્ધતિ અનુસાર હવે દેરાંનું સમારકામ કરાઈ રહ્યું છે. આ માટે કચ્છથી 100 ટન વિશેષ ચૂનો મગાવવામાં આવ્યો છે.

સમારકામ પૂરું થવામાં લગભગ 1 વર્ષનો સમય લાગી શકે છે. કામગીરી દેરાંની બહારની બાજુમાં કરવામાં આવતી હોવાથી દર્શન બંધ કરાયા નથી.પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાનને સમર્પિત આ મંદિર શેઠ હઠીસિંહે વિ. સં. 1901(ઈ. સ. 1845)માં બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમના એકાએક અવસાનને કારણે તેમનાં પત્ની શેઠાણી હરકુંવરે વિ. સં. 1903(ઈ. સ. 1847)માં તેનું બાંધકામ પૂરું કરાવ્યું. સાગરગચ્છના શાંતિસાગરસૂરિના વરદ હસ્તે મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, રંગમંડપ, સ્તંભાવલિયુક્ત પડાળી, મુખમંડપ અને દેવકુલિકાઓનું બનેલું છે.

ગૂઢમંડપની ઉત્તર-દક્ષિણે અને રંગમંડપની ઉત્તર-દક્ષિણે તથા પશ્ચિમે શૃંગારચોકીઓ આવેલી છે. આ મંદિર બાવન જિનાલય પ્રકારનું છે. તે ઉત્તર-દક્ષિણ 38 મી. પહોળું અને પૂર્વ-પશ્ચિમ 48 મી. લાંબું અને 52.5 મી. ઊંચું છે. પૂર્વની દિશાએ એક સીધી હરોળમાં ત્રણ ગર્ભગૃહો જોડતી દીવાલ વિનાનાં   છે. મધ્યના ગર્ભગૃહમાં મૂલનાયક તરીકે પંદરમા તીર્થંકર ધર્મનાથની, ઉત્તરના ગર્ભગૃહમાં ધર્મનાથની અને દક્ષિણના ગર્ભગૃહમાં આદીશ્વરની પ્રતિમાઓ બિરાજમાન છે.