અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા આદેશ
રાજ્યમાં હેલ્મેટ પહેરવાના નિયમને લઈ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી 10 દિવસની ડ્રાઈવના આદેશ કરવામાં આવ્યા છે. જેની વચ્ચે અમદાવાદ જિલ્લાના પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનો, હેડક્વાર્ટર અને કચેરીઓમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા આદેશ કર્યો છે. જે પોલીસકર્મી હેલ્મેટ વગર આવે તેને ખુદ PI અથવા શાખાના ઇન્ચાર્જ દ્વારા દંડ કરવાનો રહેશે. જો બેથી વધુ વખત દંડ થાય તો પોલીસકર્મી સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરવા SP ઓફિસમાં રિપોર્ટ કરવાનો રહેશે. જો આ આદેશનું પાલન નહિ થાય તો PI અને ઇન્ચાર્જ જવાબદાર ગણી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે. અમદાવાદ જિલ્લાના પોલીસવડા વિરેન્દ્રસિંગ યાદવે પરિપત્ર કરી જણાવ્યું છે કે, જિલ્લાના પોલીસ સ્ટેશનો, હેડક્વાર્ટર અને કચેરીઓમાં ટુ-વ્હીલર પર આવતા પોલીસકર્મીઓ હેલ્મેટ નથી પહેરતાં તેવું ધ્યાને આવ્યું છે. જેથી તમામ પોલીસકર્મીઓએ હવે હેલ્મેટ પહેરવા સૂચના આપવામાં આવે છે. જો હેલ્મેટ વગર પોલીસકર્મી આવે તો તેને ખુદ PI અથવા શાખાના ઈન્ચાર્જે દંડ કરવાનો રહેશે. બેથી વધુ વાર દંડ થાય તો તેનો રિપોર્ટ SP ઓફિસ મોકલવાનો રહેશે. આ આદેશના કડક પાલનની જવાબદારી PI અને શાખાના ઇન્ચાર્જની રહેશે. આ આદેશના પાલનમાં નિષ્કાળજી દાખવનાર PI અને શાખા ઇન્ચાર્જ સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે. હેલ્મેટના પહેરવાના નિયમ માટે અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવા વિરેન્દ્રસિંગ યાદવે પરિપત્રમાં જણાવ્યું છે. આ આદેશનું કડક પાલન કરાવવા તેઓએ સૂચના આપી છે અને વારંવાર ભંગના કિસ્સામાં રિપોર્ટ કરવા પણ આદેશ કર્યો છે.