1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (10:17 IST)

Weather Forecast - હવામાન વિભાગની આગાહી, ફરી ગુજરાતને ઘમરોળશે વરસાદ, જાણો ક્યાં ખાબકશે મેઘો

એક અઠવાડિયાના લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાણી કરવામાં આવી છે. હવામાન જણાવ્યા અનુસાર આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ લો પ્રેશરની પ્રક્રિયા સર્જાશે જેથી 16 થી 18 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોર વધશે. 
 
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 
 
12મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ સાથે ઉપરવાસમાં વરસાદને કારણે સાબરકાંઠામાં આવેલી હાથીમતી નદી બે કાંઠે વહી રહી છે.
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને ભરૂચના વાગરા 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
 
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 11 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 12 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલું રહી શકે છે.