અમદાવાદની ડાન્સ એક્સપર્ટ પ્રેમમાં પાગલ થઈ પ્રેમી સાથે ભાગી, યુવક વ્યસની નીકળતાં 10 દિવસ રોડ પર રખડી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને વિદેશમાં ડાન્સ પરફોર્મન્સ કરી ચૂકેલી 18 વર્ષની યુવતી પાડોશી યુવકના પ્રેમમાં પડી હતી. નાની ઉંમરમાં પોતાનું કરિયર અને માતાની ચિંતા કર્યા વગર યુવક સાથે જિંદગીભર રહેવાના સપના સાથે ભાગી ગઈ હતી. જો કે 2 મહિના સાથે રહેતા પ્રેમી વ્યસની અને મારઝૂડ કરવા લાગ્યો હતો. જેથી પોતે તેને છોડી દીધો હતો.
પરિવાર ફરી નહીં અપનાવે તેની જાણ હતી, જેથી એકલી 10 દિવસ રોડ પર નાહ્યા વગર રખડતી રહી હતી. બાદમાં NGO અને મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીના પરિવારને દીકરીની ભૂલને માફ કરી દેવાનું સમજાવતા પરત અપનાવી લીધી હતી.પ્રેમમાં પડેલો માણસ એક સમયે પોતાની પ્રિયતમા કે પ્રિયતમને પામવા કોઈપણ હદ સુધી જાય છે. આજના જમાનામાં નાની ઉંમરના બાળકો પણ પ્રેમમાં પડી પોતાની જિંદગી બરબાદ કરે છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181ને ફોન આવ્યો હતો કે, 18 વર્ષની યુવતી છે અને તેના પરિવારવાળા સાથે રાખવાની ના પાડે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી હતી. કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, યુવતીએ ધો. 10 સુધી અભ્યાસ કરેલો છે. તેની માતા અને બીજા ચાર ભાઈ-બહેન સાથે રહે છે. પિતાનું અવસાન થઈ ગયું છે, જેથી માતા છૂટક કામ કરી ગુજરાન ચલાવે છે. યુવતી ડાન્સમાં ખૂબ જ એક્સપર્ટ છે જેથી સંસ્થાઓના સહયોગથી અમેરિકા અને લંડનમાં ડાન્સ પરફોર્મન્સ કરી ચૂકી છે.એક વર્ષ પહેલાં તેની જ સોસાયટીમાં રહેતા 19 વર્ષીય યુવક સાથે પ્રેમમાં પડી હતી. બંને વચ્ચેના પ્રેમસંબંધની આખી સોસાયટીમાં જાણ થઈ ગઈ હતી. માતાને દીકરીના પ્રેમસંબંધ અંગે જાણ થતાં તેને આઘાત લાગ્યો હતો. માતાએ પોતાની દીકરીને સમજાવી હતી કે, આ પ્રેમના ચક્કરમાં પડ્યા વગર તારા અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપ. ભવિષ્યમાં તું આગળ વધીશ પરંતુ યુવતી યુવકના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તેને યુવકનો પ્રેમ જ જોઈતો હતો. એક દિવસ યુવતી કોઈને પણ જાણ કર્યા વગર યુવક સાથે ભાગી ગઈ હતી.
બંને બે મહિના અલગ અલગ જગ્યાએ રહ્યા હતા.મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા યુવક અને યુવતીના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બંનેની ઉંમર નાની છે તેમનું ભવિષ્ય ઉજળું કરવાની જરૂર છે. યુવક અને યુવતી બંનેને તેમની ભૂલ પર પસ્તાવો થયો હતો. તેઓને કરેલી ભૂલને માફ કરી દેવા પરિવારજનોને સમજાવ્યા હતા. હવેથી બંને આવી કોઈ હરકત નહીં કરે તેવી બાંયધરી આપતાં યુવતીને તેના પરિવારજનોએ અપનાવી લીધી હતી અને યુવકને પણ NGOની મદદથી વ્યસનમુક્તિ માટે મોકલવામાં આવ્યો હતો. આમ પ્રેમમાં પાગલ થઈ અને યુવક સાથે ભાગી જિંદગી બગાડવા તરફ જતી યુવતીને મહિલા હેલ્પલાઇનની ટીમે સુખદ સમાધાન કરાવ્યું હતું.