શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (13:37 IST)

અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સરો સાથે મારામારી,સમગ્ર ઘટના CCTVમાં કેદ

સાબરમતી રિવરફ્રન્ટ નજીક 750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૈશ્વિક કક્ષાની હોસ્પિટલ ગણાવી રહી છે. પરંતુ, આ હોસ્પિટલમાં પોલમપોલ ચાલી રહી છે. આ પોલમપોલ બહાર ન આવે તે માટે મ્યુનિસિપલના ભાજપના શાસકો અને તંત્રએ હોસ્પિટલમાં મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શુક્રવારે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે બાઉન્સરોએ સંબંધી પાસે પાસ માંગતા દર્દીના સગાએ મારામારી કરી હતી. 

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં દર્દીના સગા બાઉન્સરને લાકડી મારતા જોવા મળે છે. આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં માત્ર નોંધ કરવામાં આવી છે. ‘અત્યાધુનિક હોસ્પિટલ’માં પોપડા પડ્યા હતા. તેમજ પાણી પણ ઘુસ્યા હતા. આ હોસ્પિટલ દરેક રીતે અત્યાધુનિક અને શ્રેષ્ઠ હોવાનો દાવો કોર્પેરેશનનો શાસક પક્ષ ભાજપ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ કર્યો છે. 

જો કે આ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં છતના પોપડા ઉખડી જવાની, ડોક્ટરોના રૂમમાં પાણી ભરાવવાની, ઓપરેશન થિયેટરમાં ઉપરના માળેથી નીચે સુધી ઘૂંટણ સુધી પાણી ભરાવવા જેવી ઘટનાઓ બની છે. વરસાદના કારણે ધાબા પરથી 16માં માળે આવેલા રૂમમાં ઘુસેલા પાણી ઉલેચવા પડ્યા હતા. મ્યુનિસિપલ શાસકો અને હૉસ્પિટલ તંત્રની જે બેદરકારીઓ થઈ છે અને પોલમપોલ ચાલે છે તેની માહિતી લોકો સુધી ન પહોંચે તે માટે મીડિયાને દૂર રાખવામાં આવે છે. અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ હોસ્પિટલમાં પ્રાઇવસીના નામે પણ મીડિયાને એન્ટ્રી ન આપવા બાબતે જણાવી દીધું હતું.