રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (18:09 IST)

દક્ષિણ આફ્રીકામાં વધુ એક ગુજરાતીની હત્યા, રાજકોટના સિંધી વેપારીની છાતી ગોળી મારી, 75 લાખની લૂંટ

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. પાંચ વર્ષથી મેડાગાસ્કર ટાપુમાં રહેતા રાજકોટના યુવાન વેપારીની છાતીમાં ગોળી મારીને રૂ.75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ થઈ હતી. બનાવની જાણ થતાં યુવકના પિતા રાજકોટથી રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા.
 
બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજકોટનો અને છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકાના મેડાગાસ્કર આઇલેન્ડમાં સ્થાયી થયેલો હરેશ રોહિતભાઇ નેભાણી (ઉંમર 35) તેના પિતરાઇ ભાઇ સાગર નેભાણી (ઉં. 30) સાથે કારમાં ઘરે જઇ રહ્યા હતા.
 
મેડાગાસ્કર ટાપુના અનાજ-ખાંડના જથ્થાબંધ વેપારી હરેશભાઈ નેભાણીનો બાઇક પર આવેલા બે શખ્સોએ પીછો કરી તેમની કાર પર લૂંટના ઈરાદે ગોળીબાર કર્યો હતો અને 75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ કરીને હત્યારાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
 
ઘટના સમયે હરેશભાઈ સાથે રહેતો પિતરાઈ ભાઈ સાગર નેભાણી ચમત્કારિક રીતે બચી ગયો હતો. મૃતક યુવકના પરિજનોએ જણાવ્યું કે, હરેશભાઈનું બાળપણ જુલેલાલ નગરમાં વીત્યું હતું, ત્યારબાદ તેઓ શહેરમાં રહેવા ગયા હતા. અનાજનો વેપાર કરતા હરેશભાઈ નેભાણીને તક મળી અને ધંધા માટે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા અને પાંચ વર્ષમાં આફ્રિકામાં પોતાનો મોટો ધંધો સ્થાપ્યો હતો.
 
ટૂંકા ગાળામાં ધંધામાં આગળ વધતા હરેશભાઈ તેમની પત્ની, પુત્ર, માતા-પિતાને લઈને દક્ષિણ આફ્રિકા ગયા અને પરિવાર સાથે સ્થાયી થયા અને વ્યવસાયમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ધંધામાં વધુ વૃદ્ધિ થતાં હરેશભાઈ નેભાણીએ તેમના કાકાના પુત્ર સાગરભાઈ નેભાણીને પણ મદદ માટે દક્ષિણ આફ્રિકા મોકલ્યા જે રાજકોટમાં રહે છે અને સાગર નેભાણી 15 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકા ગયા હતા.
 
હરેશભાઈ નેભાણી ભારતમાંથી કન્ટેનર મારફતે દક્ષિણ આફ્રિકામાં અનાજ અને ખાંડની આયાત કરીને ધંધો કરતા હતા. બનાવના દિવસે વેપારી હરેશભાઈ અને તેનો પિતરાઈ ભાઈ સાગર નેભાણી ધંધાના સ્થળેથી કારમાં ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બે આફ્રિકન શખ્સોએ લૂંટના ઈરાદે હુમલો કરી ગોળીબાર કરી રાજકોટના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.
 
આ ઘટનાની વિડંબના એ છે કે શનિવારે ઘટનાના દિવસે મૃતક વેપારીના પિતા રોહિત ભાઈ તેમના વતન રાજકોટ આવ્યા હતા, જેઓ તેમના પુત્રના સમાચાર સાંભળીને રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા અને તેમના પુત્રના અંતિમ સંસ્કાર આફ્રીકામાં જ કર્યા હતા.