સોમનાથમાં તંત્ર દ્વારા 3 મોટા પ્રતિબંધો લાગુ: મંદિર જતા પહેલા શ્રદ્ધાળુઓ જરૂર જાણી લે
3 major restrictions in Somnath
સોમનાથમાં તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વના 3 પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે સોમનાથ મંદિરની બંને બાજુ આશરે 4 કિલોમીટરના વિસ્તારમાં આગામી 60 દિવસ સુધી અમલી રહેશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓ માટે દરિયાના ઊંડા પાણીમાં સ્નાન કરવા પર રોક
સોમનાથ દર્શને પવિત્ર યાત્રાધામ ખાતે આવતા તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી છે. જાહેરનામા અનુસાર, શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાના ભાગરૂપે દરિયાના ઊંડા પાણીમાં સ્નાન કરવા માટે ન જાય, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ બનતો અટકાવી શકાય.
ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ
પ્રભાસ પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે નદીની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા માટે પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવેથી નદીમાં માત્ર અસ્થિ અને પિંડનું જ વિસર્જન કરી શકાશે. જ્યારે નદી કે જળાશયમાં ચૂંદડી, નાળિયેર, ફૂલો, માટીનાં વાસણો અને પ્લાસ્ટિક સહિતનો કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
34 સંવેદનશીલ સ્થળોએ વગર પરવાનગી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
સુરક્ષા કારણોસર ગીર સોમનાથ જિલ્લાના કુલ 34 સંવેદનશીલ સ્થળોએ વગર પરવાનગી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. સોમનાથ મંદિર સહિતના આ 34 સ્થળો પર ડ્રોનનો ઉપયોગ કરવા માટે અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત છે. આ પ્રતિબંધિત સ્થળોમાં કોસ્ટગાર્ડ સ્ટેશન, કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસવડા કચેરી, જેલ અને વીજ સબસ્ટેશન સહિતના મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે.

