ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2019 (12:50 IST)

મહિલાને ફટકારનાર ધારાસભ્ય થાવાણી મુદ્દે ભાજપ ભીનું સંકેલવાની તૈયારીમાં

ભાજપ પોતાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં લાતો ફટકારવાની ઘટના અંગે ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રમુખે બલરામને ઠપકો આપી માત્ર માફી માગવાની વાત કહેતા પક્ષમાં આંતરિક નારાજગી શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાજપ બલરામને બચાવવા માટે એવો ખેલ પાડશે કે કારણ દર્શક નોટિસ આપી સાત કે 15 દિવસમાં ખુલાસો માગીને મામલો રફેદફે કરી દેશે. કારણ કે ગુજરાતમાં ભાજપ હાલ રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી જીતવા માટે ધારાસભ્યોનું સંખ્યાબળ વધારવા કોંગ્રેસમાંથી ધારાસભ્યોને આવકારી રહ્યા છે. 
તે સંજોગોમાં જો થાવાણી સામે પગલાં ભરવામાં આવે તો ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી શકે છે અને તેની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર પડી શકે છે. ચાલ, ચરિત્ર અને ચહેરાની વાતો વચ્ચે ભાજપની નીતિ અને બંધારણ મુજબ સંગઠનનો હોદ્દેદાર કોઈ અનૈતિક કે અશિસ્ત પ્રવૃત્તિ કરે તો તેની સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાને બદલે ભાજપ તે આગેવાને કારણદર્શક નોટિસ આપી 7 કે 15 દિવસમાં ખુલાસો માગવામાં આવે છે. 
આ ખુલાસાના આધારે ભાજપની શિસ્ત સમિતિ સમક્ષ જે તે આગેવાનની ભૂલ અથવા ગેરશિસ્તનો આખરી નિર્ણય લેવામાં આવે છે. પરંતુ મોટા ભાગની ઘટનાઓમાં ભાજપ માત્ર નોટિસ આપીને મામલો રફેદફે કરી દે છે. બલરામ થાવાણીના કેસમાં પણ ઘટનાને 24 કલાક થવા આવ્યા છતાં પણ ભાજપ પ્રમુખે માત્ર ઠપકો આપીને માફી માગવા કહ્યું છે. પરંતુ તેમની સામે બરતરફીના પગલા ભરતા ભાજપ ડરી રહ્યો છે.
ગુજરાતમાં રૂપાણી સરકારમાં ભાજપનું સંખ્યાબળ 103 છે. આ સંજોગોમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા ભાજપ આ બન્ને બેઠકોની ચૂંટણીનું ગણિત ગણી રહ્યો છે. આ ચૂંટણીમાં જો ભાજપે બન્ને બેઠકો પર વિજય મેળવવો હોય તો કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યો લાવવા પડે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે જો ભાજપ પોતાના જ ધારાસભ્યને નૈતિકતાના ધોરણે બરતરફ કરે તો ભાજપનું સંખ્યાબળ તૂટી શકે છે. આમ ભાજપ તેમના ધારાસભ્ય સામે જ પગલા પડતાં ડરી રહ્યો છે.