ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2019 (12:48 IST)

દુર્ઘટના ટળીઃ રીવરફ્રન્ટ પર હાઈડ્રોલિક રાઈડ બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરાયા

અમદાવાદના આશ્રમ રોડ પર સ્થિત રિવરફ્રન્ટ પરના  એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 14 બાળકો સહિત 29ને 21 મીટરની હાઈટ પર ફસાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે  તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્કયુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલીને  તેની મદદથી ફાયરના જવાનોએ 20 મિનિટમાં તમામને રેસ્કયુ કરી નીચે ઉતારી લીધા હતા. જોકે ત્યારબાદ પોલીસ અને ફાયરવિભાગે ભેગા મળી એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાવી દીધો હતો અને જ્યાં સુધી આ મેળાની તમામ રાઈડના ફિઝિકલ સર્ટિફિકેટની તપાસ નહીં થાય ત્યાં સુધી તેને ચાલુ કરવામાં આવશે નહીં. નિયમ મુજબ મેળાની મંજૂરી પીડબલ્યુડી દ્વારા આપવામાં આવે છે. રિવરફ્રન્ટ ખાતેનો આ એમ્યુઝમેન્ટ પાર્ક ગત તારીખ 28 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો હતો. અને તેની મંજૂરી પીડબલ્યુડી વિભાગ પાસેથી લીધી હતી અને ત્યારબાદ ફાયર અને પોલીસની પણ મંજૂરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, જ્યારે રાઇડ 21 મીટરની હાઈટ સુધી પહોંચી ત્યારે તેનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં તે અટકી ગઈ હતી.