મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (10:49 IST)

બહુચરાજીની કોલેજોમાં ઘૂસીને, ક્લાસમાં અભ્યાસ રોકીને ભાજપ ચલાવે છે સભ્યપદ અભિયાન

ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપની હરકત સામે આવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીની સરકારી આર્ટસ કોલેજમાં સોમવારે બપોરે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન અંદર ઘૂસી ભાજપના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનું શરૂ કરતાં વિવાદ સર્જાયો છે.બહુચરાજી સરકારી આર્ટ્સ કોલેજમાં સોમવારે બપોરે 12 વાગ્યાના અરસામાં તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ નીરવ રાવલ સહિત 8થી 10 હોદ્દેદારો અને કાર્યકરો કોલેજના પ્રિન્સિપાલની પૂર્વમંજૂરી લીધા વિના અંદર ઘૂસી ગયા હતા. એટલું જ નહીં, ભાજપના હોદ્દેદારોએ કોલેજના નોટિસ બોર્ડ પર સદસ્યતા અભિયાન લખી સંપર્ક માટે મોબાઈલ નંબર જાહેર કર્યો હતો.

બાદમાં કોલેજિયન વિદ્યાર્થીઓ પાસે મોબાઇલમાં સભ્ય ​​​​​​બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ભાજપના હોદ્દેદારો દ્વારા ચાલુ શિક્ષણ કાર્યમાં કરાયેલી આ પ્રવૃત્તિને વાલીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.એટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓએ કોલેજના નોટિસ બોર્ડ પર “સદસ્યતા અભિયાન 78781 82182 રેફરન્સ નંબર 99784 05914 રજનીભાઈ પટેલ’ લખી નાખ્યું હતું.જાહેર થતાં હોબાળો મચ્યો હતો. એના પ્રત્યાઘાત પડ્યા છે અને ભાજપ બચાવની સ્થિતિમાં આવી ગયો છે. આ બાબતે બહુચરાજી તાલુકા ભાજપના મહામંત્રી ભાવેશ ચૌહાણને પૂછતાં તેમણે સ્વીકાર્યું હતું કે અમે કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી. પ્રિન્સિપાલ પણ હાજર ન હતા. અમે કોલેજ પૂરી થયા પછી એક વાગે કાર્યક્રમ કર્યો હતો, જ્યારે કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશ જોશીએ જણાવ્યું કે હું રજા પર હતો. કાર્યક્રમ અંગે કોઈએ મારી પાસે કે કોલેજમાં કોઈપણ જાતની મંજૂરી લીધી નથી. કાર્યક્રમ કોલેજમાં એક વાગ્યા પછી થયો હોવાનું જાણ્યું છે, પરંતુ આ અમારી ભૂલ છે જે સ્વીકારીએ છીએ. હવે પછી આ બાબતે ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ, વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરકારી શાળા-કોલેજમાં બાળકોને ભણવા માટે મોકલવામાં આવે છે નહીં કે કોઈ રાજકીય પક્ષના સભ્ય બનવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ જેમણે પણ કરી હોય તેની સામે પગલાં લેવા જોઈએ. આ વિદ્યાર્થીઓના શિક્ષણનો સવાલ છે, આજે એક પક્ષ આવે, કાલે બીજો પક્ષ આવશે તો બાળકોના ભવિષ્યનું શું?