શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 જાન્યુઆરી 2021 (16:50 IST)

અમદાવાદમાં લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગના પાંચ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

શહેરના ઠક્કરબાપાનગર અને નિકોલ વિસ્તારમાં લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગના પાંચ શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બે આરોપીઓની ઉત્તરપ્રદેશ અને બે આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એકની અમદાવાદથી ધરપકડ કરી હતી. બે આરોપીઓને ધંધામાં અને જુગાર રમવામાં દેવુ થઈ ગયું હતું. જેના કારણે તેઓએ ઉત્તરપ્રદેશથી લૂંટ ધાડ કરતા ગુનેગારોને અમદાવાદ બોલાવી અને લૂંટને અંજામ આપ્યો હતો. પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સુધીર ફૌજી જેણે ફાયરિંગ કર્યું હતું તે ફરાર છે. જેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ઠક્કરબાપાનગર અને નિકોલમાં લૂંટ થતા ક્રાઈમ બ્રાન્ચના dysp ડી.પી ચુડાસમાની આગેવાનીમાં તમામ પીઆઇ અને સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં એક રીક્ષા અને પલ્સર બાઈક પરથી પોલીસે માહિતી મેળવતા ત્રણ આરોપી રાજવીરસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ગૌર અને સુકેન્દ્રસિંહ નરવરીયા (રહે. નરોડા, મૂળ ઉત્તરપ્રદેશ)ની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે આરોપી દિપક પરિહાર અને અજય મરાઠાની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા રાજવીરસિંહ અને સત્યેન્દ્રસિંહ અમદાવાદ નરોડામાં રહે છે. રાજવીરસિંહને અગાઉ મંડપ ડેકોરેશનના ધંધામાં દોઢ લાખનું નુકસાન અને સુકેન્દ્રસિંહને જુગાર રમવામાં ત્રણ લાખનું દેવું થઈ ગયુ હતુ. જેથી તેઓએ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.ઉત્તરપ્રદેશમાં તેમના બનેવી બુદ્ધેસિંહ પરિહારને જાણ કરતા તેમને લૂંટ અને ધાડના ગુનેગાર સુધીર ફૌજી અને લખન ચમારને હથિયાર સાથે 30 ડિસેમ્બરના રોજ અમદાવાદ મોકલ્યા હતા. રાજવીરે તેના ભાણેજ દિપક અને તેના મિત્ર અજયને મુંબઈથી બોલાવ્યા હતા. બાદમાં તેઓએ કૃષ્ણનગરમાં બાઈક ચોરી સુધીર, દિપક અને સત્યેન્દ્ર ઠક્કરબાપાનગર ગાયત્રી ટ્રેડર્સમાં રોકડા રૂપિયા હોવાની જાણ હોવાથી ત્યાં લૂંટ કરવા ગયા હતા. લૂંટમાં માત્ર 35000 જ હાથમાં આવ્યા હતા. બાદમાં તેઓએ નિકોલમાં જવેલર્સમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.બીજા દીવસે પાંચેય લૂંટ કરવા રીક્ષા અને અન્ય ચોરેલા બાઇકમાં ગયા હતા જ્યાં ચાર લોકો દુકાનમાં લૂંટ કરવા ગયા હતા. જ્યારે રીક્ષા દૂર રાખી અને ઉભો હતો. લૂંટ બાદ તમામ વતન જવાનું નક્કી કરી રાજવીરે બુદ્ધેસિંહ, લખન અને સુઘીરને વતન મોકલી આપ્યા હતા. જ્યારે દિપક અને અજયને મુંબઈ મોકલી આપ્યા હતાં. રાજવીરે તેની રીક્ષાની ઓળખ છુપાવવા માટે કાળું હુડ બદલી અને પીળું હુડ લગાવી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ. 2.90 લાખ કબ્જે કર્યા છે જ્યારે સોનાના દાગીના સુધીર લઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.