ગુજરાતના હાઈવે બન્યા રક્તરંજિત: 4 મોટા માર્ગ અકસ્માતમાં PSI, વૃદ્ધ દંપતી સહિત 11 ના મોત
Delhi-Mumbai Expressway accident
ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલા મનુબર ગામ પાસે એક આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કારને અકસ્માત નડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલનું અકસ્માતમાં નિધન
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોમાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર સહિત પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અમીરગઢ ચેકપોસ્ટ નજીક બાઈક ચાલકોને અજાણ્યા વાહને મારી ટક્કર
બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક પણ એક દર્દનાક માર્ગ અકસ્માત નોંધાયો છે. અમીરગઢ GRDમાં ફરજ બજાવતો એક યુવક પોતાના મિત્ર સાથે બાઈક પર કામ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન ચેકપોસ્ટ નજીક અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અમીરગઢ અકસ્માતમાં બે મિત્રોના મોત અને પોલીસ તપાસ
અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક સવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અડાલજ નજીક ગરબા રમીને પરત ફરતા ખેલૈયાઓની કાર વૃક્ષ સાથે અથડાઈ
ગાંધીનગરના અડાલજ નજીક મહારાજા હોટલ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગરબા રમીને ગાંધીનગરથી અમદાવાદ પરત ફરી રહેલા બે યુવકો અને બે યુવતીઓની કાર અચાનક બેકાબૂ બની હતી અને સીધી વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી.
અડાલજ કાર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 3 થયો
આ ભયાનક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ દમ તોડતાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. અડાલજ પોલીસ આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી ઠોકર મારી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા નજીક એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પાલનપુર ખાતેથી પત્નીનું ડાયાલિસિસ કરાવીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલકની રિક્ષાને એક અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
રિક્ષા અકસ્માતમાં વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલકનું નિધન
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતમાં રિક્ષાચાલક તેમજ વૃદ્ધ દંપતી ત્રણેય લોકોના કરુણ મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલથી ઘરે પરત ફરી રહેલા દંપતીના આ રીતે અચાનક અંતથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી તથા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

