સુરતના આદિનાથ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ત્રીજા માળની દુકાનમાં આગથી અફરાતફરી
સુરતના કાપડ બજારના મુખ્ય વિસ્તારમાં આવેલા સલાબતપુરાના આદિનાથ કાપડ માર્કેટમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોમવારે સવારે આશરે 10:30 વાગ્યે માર્કેટના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને સમગ્ર માર્કેટમાં ધુમાડો પ્રસરી ગયો હતો.
15થી 20 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા
આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આશરે 15થી 20 ફાયર ફાઇટર અને ફાયર બ્રિગેડનાં વાહનોને કામગીરીમાં જોડવામાં આવ્યાં હતાં. ફાયર વિભાગની ટીમોએ વિવિધ દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ
ફાયર ફાઇટરોએ સતત બે કલાક સુધી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ ફરીથી આગ ભભૂકી ન ઊઠે અને કોઈ જોખમ બાકી ન રહે તે માટે સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ અને દુકાનમાં થયેલા નુકસાન અંગેની વિગતો હજી સ્પષ્ટ નથી. ઘટનાને પગલે કાપડ માર્કેટ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

