શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (11:54 IST)

દ્વારકાનાં કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું

સિટિઝનશિપ એક્ટ અને એનઆરસીના મુદ્દે આખા ભારતમાં એક બાજુ લોકો વિરોધ કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ સમર્થન કરી રહ્યાં છે. ત્યારે ગઇકાલે દ્વારકાનાં કલેક્ટરે પાકિસ્તાની મહિલા જે પહેલા ભારતમાં રહેતા હતા તેમને ભારતીય નાગરિકતા આપી છે. દ્વારકાનાં કલેક્ટર, નરેન્દ્ર મીણા સાથે ન્યૂઝ18 ગુજરાતીએ આ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, હસીનાંબેન દ્વારકા જિલ્લાનાં મૂળ નિવાસી હતા. તેમણે 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યાં એટલે તેમની નાગરિકતા પાકિસ્તાનની થઇ જાય. તેમના પતિનાં મોત બાદ તેઓ ફરીથી અહીં રહેવા આવ્યાં. તેમણે બે વર્ષ પહેલા ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. પહેલા અમારા અધિકારીઓએ ખરાઇ કરી અને પછી આ અંગેની પ્રોસેસ થઇ. જે બાદ ગૃહમંત્રીની મંજૂરી મળવાને કારણે તેમને નાગરિકતા આપવામાં આવી છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, ' પહેલા આ આખી પ્રોસેસ કરવામાં સમય લાગતો હતો કારણ કે બધું જાતે કરાવવું પડતું હતું પરંતુ આ અંગેની નોંધણી હવે સરકારે ઓનલાઇન કરી દીધી છે જેના કારણે હવે તેમને 6 મહિનામાં ભારતીય નાગરિકતા મળે છે.' રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે જણાવ્યું હતું કે, એનઆરસી બિલનો ગુજરાતમાં અમલ કરાશે. તેમણે કહ્યું કે, બિલને લઈને કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે, સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ અને એનઆરસીનાં મુદ્દે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા ત્રણ ચાર દિવસ પહેલાં 19મી ડિસેમ્બરનાં ગુરુવારે આજે અમદાવાદ બંધનું એલાન અપાયું હતું.જેને અન્ય સંગઠનોએ ટેકો આપ્યો છે. રિક્ષા ચાલકોના એસોસિયેશને આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે પરંતુ રિક્ષા હડતાલનું એલાન આપ્યું નથી. આ સાથે શાહી જામા મસ્જિદનાં પેશ ઈમામ સહિતનાં આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.