1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 જાન્યુઆરી 2023 (13:17 IST)

ઉત્તરાયણ પર્વમાં ૧૦૮ના ઇમર્જન્સી કોલમાં ૩૨ ટકાનો વધારો થશે

Emergency calls to 108 will increase by 32 percent
ઉત્તરાયણ પર્વમાં બનતા અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવા માટે શહેર અને જિલ્લામાં કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને સાબદી કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વે સામાન્ય દિવસોની સાપેક્ષે ૧૦૮ના ઇમર્જન્સી કોલમાં ૩૨ ટકાનો વધારો થાય છે અને વાસી ઉત્તરાયણના દિવસે ૨૪ ટકાનો વધારો થાય છે. તે બાબતને ધ્યાને રાખીને ૧૦૮ના ૨૧૮ જેટલા સ્ટાફને અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવાની સાથે સમયસર દવાખાને પહોંચાડવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
 
જીવીકે-ઇએમઆરઆઇના તારણો એવું સૂચવે છે કે, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ ૩૩૫૦ કોલ આવે છે. તેની સામે તા. ૧૪ના ઉત્તરાયણ અને તા. ૧૫ના વાસી ઉત્તરાયણમાં ૩૨ ટકા જેટલો વધારો થાય છે. એટલે કે તા. ૧૪ના દિવસે ૩૨ ટકા અને તા. ૧૫ના રોજ ૨૪ ટકા વધુ ફોન આવે છે.
 
વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પ્રતિદિન ૧૮૧ જેટલા ઇમર્જન્સી કોલ્સ આવે છે. હવે ઉત્તરાયણના દિવસે આ ઇમર્જન્સી ૨૭૪ સુધી પહોંચી જવાની સંભાવના છે. હાલમાં શહેરમાં ૧૦૮ની એમ્બ્યુલન્સનો રિસ્પોન્ડ ટાઇમ ૧૧ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં રિસ્પોન્ડ ટાઇમ ૧૬ મિનિટ અને ૩૨ સેકન્ડનો છે. આ પર્વમાં મહત્તમ કોલ સવારના ૧૨ વાગ્યાથી સાંજના ૯ વાગ્યા દરમિયાન મળે છે.
 
પાછલા પર્વોના અનુભવોને ધ્યાને રાખીને ઉત્તરાયણ પર્વમાં એમ્બ્યુલન્સના સ્ટેન્ડ બાયના લોકેશનમાં બદલવા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની પેરફરીમાં કેટલીક વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપથી પહોંચી શકાય. તેમ ૧૦૮ના પ્રોજેક્ટ મેનેજર વિપીનભાઇ ભેટારિયાએ કહ્યું હતું.
 
વડોદરા શહેરમાં ૨૬ મળી જિલ્લામાં કુલ ૪૩ એમ્બ્યુલન્સ છે. તેની સાથે ૨૧૮ કર્મયોગીઓ કામ કરે છે. તેઓ ઉત્તરાયણ પર્વના આનંદ માણવાનું ત્યાગી લોકસેવા માટે ફરજ બજાવશે. આ વખતે વડોદરામાં વાહન ઉપરથી પડી જવાથી અને અન્ય રીતે પડી જવાથી ઘાયલ થવાના ૫૫થી ૬૦ કેસો આવવાની શક્યતાને ધ્યાને રાખીને ગોત્રી અને એસએસજી હોસ્પિટલ ખાતે વધારાના કર્મયોગીને ફરજ સોંપવામાં આવી છે. જેથી એમ્બ્યુલન્સનો ઓક્યુપન્સી ટાઇમ ઘટાડી શકાય. આ વખતથી દોરીથી ઘાયલ થવાના કેસ અલગથી નોંધવામાં આવશે.