નકલી ચલણી નોટ કૌભાંડમાં સ્વામિનારાયણનાં સાધુનું પ્લાનીંગ કંઈક આવું હતું
અંબાવ ગામનાં સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સ્વામી રાધારમણની રૂમમાંથી રૂ. 2000નાં દરની ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સ્વામી ઉપરાંત ચલણી નોટ છાપવાનાં માસ્ટર માઇન્ડ સહિત પાંચ જણાને રૂ. 2000નાં દરની 5013 નોટ એટલે કે 1 કરોડ રુપિયા કરતા વધુ સાથે ધરપકડ કરતા ચકચાર મચી ગઇ છે. આ કેસમાં ઝડપાયેલો પ્રવીણ ચોપરાનાં નામે ડુપ્લીકેટ નોટ મામલે આ પહેલા 10 ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હતાં. સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીનાં આધારે કામરેજ મેઇન રોડની ગઢપુર ટાઉનશીપથી લેક વિલેજ ફાર્મ તરફ જવાના રોડ પરથી 19 વર્ષનાં પ્રતિક દિલીપ ચોડવડીયા ને 2000નાં દરની 203 નંગ નોટ કિંમત .4.06 લાખ, મોબાઇલ ફોન અને સ્કોડા કાર સાથે ઝડપી પાડયો હતો. જે બાદ તેની આકરી પૂછપરછ કરવામાં આવતા આ આખો ભોંડો ફૂટ્યો હતો. જેથી ખેડા જિલ્લાનાં અંબાવ ગામના સ્વામીનારાયણ મંદિર પરિસરમાં રહેતા સ્વામી રાધારમણની રૂમમાં પ્રવિણ જેરામ ચોપડા અને તેના પુત્ર કાળુ પ્રવિણ ચોપડા, મોહન માધવ વાઘુરડે સાથે મળીને છાપી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ક્રાઇમ બ્રાંચે સ્વામી રાધારમણની રૂમમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ છાપવા માટેની સામગ્રી કબજે લીધી હતી. જેમાં કલર પ્રિન્ટર અને સ્કેનર ઉપરાંત કાગળો કબજે લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં ચલણી નોટને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કરતા હતા અને ત્યાર બાદ બજારમાં નોટ ઘુસાડવા માટે તમામ એકબીજા વચ્ચે વહેંચણી કરી લેતા હતા.