સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (16:11 IST)

ગુજરાતમાંથી હટી જશે લગભગ બધા મંત્રી ? અસંતુષ્ટોનો મેળો જામતા ટળ્યો શપથ સમારંભ, હવે આવતીકાલે મોદીજી આવશે ગુજરાત

ગુજરાતમાં આજે  યોજાનારા નવા મંત્રીઓના શપથગ્રહણ આજ માટે મુલતવી રાખવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં લગભગ 90 ટકા નવા મંત્રીઓ હશે,  તેમા પણ મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મુકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયતો શરૂ થતા નારાજગી અને અસંતોષનો દાવાનળ ઉભો થયો હતો. જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવી દેવામાં આવી છે. હવે આ આવતીકાલે યોજાશે એવી શક્યતા છે. અસંતુષ્ટ મંત્રીઓનો વિવાદ વધતા આ સમસ્યાનો હલ શોધવા આવતીકાલે ગુજરાતના લોકલાડીલા નેતા અને ભારતના પ્રધાનમંત્રી મોદીજી કાલે ગુજરાત આવશે. . અહેવાલો અનુસાર, ભૂપેન્દ્ર પટેલ રૂપાણીના સમગ્ર મંત્રીમંડળને બદલવા માંગે છે, જેના કારણે પાર્ટીમાં વિવાદ વધ્યો છે.
 
તમને જણાવી દઈએ કે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ઘણા વરિષ્ઠ નેતાઓની હકાલપટ્ટી નક્કી છે. તેમાં નીતિન પટેલનું નામ હતું, જે વિજય રૂપાણીના કાર્યકાળમાં ડેપ્યુટી સીએમ હતા. આ દરમિયાન અસંતુષ્ટ મંત્રીઓ દૂર થવાના ભયને કારણે પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં લાંબા સમય સુધી બેઠક ચાલુ રહી હતી. 
 
અગાઉ, ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું હતું કે આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં જોડાતા નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ અપાવવામાં આવશે. નવા મંત્રીઓના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. એવી અટકળો છે કે પટેલ તેમના મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરશે અને ઘણા જૂના નેતાઓને નાના નેતાઓ માટે જગ્યા ખાલી કરવી પડી શકે છે. આવી સ્થિતિમાં નીતિન પટેલ જેવા નામ પર સસ્પેન્સ રહે છે.
 
ઉલ્લેખનીય છે કે શનિવારે વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે દિવસે માત્ર મુખ્યમંત્રીએ શપથ લીધા હતા.