રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃશ્ચિકા ભાવસાર|
Last Updated : ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (11:26 IST)

ગ્રાઉંડ રિપોર્ટ - કોરોનાની ત્રીજી લહેરનાં પગલે આ વર્ષે પણ પતંગ બજારોમાં મંદીનો માહોલ, છેલ્લી ઘડીએ ઘરાકી ખુલ્લે તેવી વેપારીઓને આશા

પતંગ રસિયાઓએ પતંગ, દોરી સહિતની તમામ વસ્તુની તૈયારીઓ કરી પેચ લેવા સજ્જ થઈ ગયા છે. પરંતુ એક સવાલ હેરાન કરી રહ્યો છે કે ઉતરાયણના દિવસે પવન રહેશે કે નહીં ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં આ વર્ષે ઉત્તર પૂર્વિય15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે. 14 જાન્યુઆરીના પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ વાસી ઉતરાણ એટલે કે 15મી જાન્યુઆરીના રોજ પણ આજ પ્રમાણે પવનની ગતિ રહેશે. જે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સારી કહેવાય છે. જોકે, બુધવારે પવનની ગતિ પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
 
સુરતમાં પતંગ 20% મોંઘા છતાં દોઢ કરોડ વેચાવાનો વેપારીઓનો મત
રાજ્યના સુરત શહેરમાં ઉતરાયણમાં આ વર્ષે 25 કરોડ રૂપિયાનો દોરી અને પતંગનો વ્યવસાય થશે. શહેરોમાં દોરી ઘસવાની 250 શોપ કાર્યરત છે. તમામે નવરાત્રિ બાદથી જ દોરી ઘસીને તૈયાર ફિરકીઓ બનાવાવની શરૂઆત કરી દીધી હતી. બોબીનના ભાવમાં 40થી 50 રૂપિયા સુધીનો વધારો થયો છે, પરંતુ દોરી ઘસવાના ભાવમાં વધારો થયો નથી. જો કે, ઉતરાયણ આડે માંડ 4 દિવસ બાકી છે ત્યારે દોરી ઘસવાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જ્યારે પતંગના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે તેમ છતાં શહેરોમાંપતંગોનું વેચાણ થશે.સુરતમાંથી દર વર્ષે સુરતી માંજો એક્પોર્ટ થાય છે. આ વર્ષે પણ દુબઈ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં 40 હજારથી વધારે ફિરકી એક્સપોર્ટ કરવામાં આવી છે.શહેરમાં મુખ્યત્વે રાંદેરમાં પતંગો બને છે. ખંભાત, જયપુર તરફથી પણ પતંગો મંગાવાય છે. આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં પતંગમાં ઉપયોગમાં લેવામાં આવતી સળી, કાગળ અને ગુંદરના ભાવમાં વધારો થવાને કારણે પતંગના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે.
 
ઈકોફ્રેન્ડલી પતંગ, જ્યાં પડશે ત્યાં છોડ ઉગી નીકળશે
મકરસંક્રાંતિને લઇ બજારમાં અનેક પ્રકારની અનોખી વેરાઇટીની પતંગ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટના એક દંપતીએ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવી છે. સામાન્ય કાગળની પતંગમાં છોડના બીજ રાખવામાં આવ્યા છે. જેથી પતંગ જે સ્થળ પર પડશે અને જરૂરિયાત મુજબ પાણી મળી રહેતા તેમાંથી છોડ ઊગી નીકળશે.મકરસંક્રાંતિને લઇ બજારમાં અનેક પ્રકારની વેરાઈટીની પતંગ જોવા મળી રહી છે. દર વર્ષે અવનવી પ્રકારની પતંગ ધૂમ મચાવે છે. ત્યારે રાજકોટમાં રહેતા રામાનુજ દંપતીએ દર તહેવારની જેમ આ વર્ષે પણ અનોખી પતંગ બનાવી છે. પતંગ બનાવનાર હિરલ રામાનુજના જણાવ્યા અનુસાર પતંગના નીચેના છેડે પોકેટ બનાવી તેમાં બીજ રાખવામાં આવ્યા છે. આ બીજ પણ વજનરહિત મુકવામાં આવ્યા છે, જેથી પતંગ ચગાવવામાં પણ કોઈ મુશ્કેલી પડતી નથી. પતંગ ચગાવતી વખતે પતંગ કપાઈ જતા જે તે સ્થળ પર પડશે, ત્યાં જમીનની અનુકૂળતા સાથે થોડું પાણી મળી રહેતા બીજમાંથી છોડ ઊગી નીકળશે.
 
રાજકોટમાં પતંગ-દોરીનાં ભાવમાં 35થી 40%નો ભાવવધારો
મકરસંક્રાંતિ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટની બજારોમાં જથ્થાબંધ વેપારીઓને ત્યાં પતંગ, દોરી અને ફીરકીનું વેચાણ થવા લાગ્યું છે. આથી દિવ્ય ભાસ્કરની ટીમ રાજકોટ સૌથી જૂની સદર બજારમાં પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલા વેપાર-રોજગારમાં રો-મટીરીયલના ભાવોમાં ધરખમ વધારો થયાનું જાણવા મળ્યું હતું. આથી આ વર્ષે પતંગ, દોરી અને ફીરકીમાં ગત વર્ષની સરખામણીએ 35થી 40 ટકાનો ભાવ વધારો હોવાનું જોવા મળ્યું હતું.  સદર બજાર સહિતનાં અનેક વિસ્તારોમાં જથ્થાબંધ સિઝન સ્ટોરમાં પતંગ, દોરી અને ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે પતંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે વિવિધ સ્લોગનવાળી પતંગોનું આકર્ષણ જોવા મળશે. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ, રસીકરણ, માસ્ક પહેરો કોરોનાથી બચો, બાય બાય 2021, વેલકમ 2022, જો બકા કોરોનાથી ડરવું નહીં ઉપરાંત વિવિધ સ્લોગન, લવ ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ સહિતના સંદેશાવાળી, કિડ્સ, અભિનેત્રીઓની તસવીરવાળી પતંગો સાથે દોરી અને ફીરકીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
 
વડોદરામાં 1 હજારથી વધુ દુકાનોનું 15 દિવસમાં 50 કરોડનું ટર્ન ઓવર
ઉત્તરાયણના તહેવારને હવે એક દિવસ બાકી છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પતંગ બજારમાં ચહલપહલ વધી છે. ચાલુ વર્ષે મજુરી અને કાગળના ભાવમાં વધારો હોવાથી પતંગોમાં 25 ટકા ભાવ ઝીંકાયો છે. વડોદરામાં માંડવી થી ગેંડીગેટ વચ્ચે 200 સહિત આખા શહેરમાં 1 હજાર જેટલી દુકાનો અને પથારામાં પતંગો વેચાય છે. ઉત્તરાયણના તહેવારોમાં વડોદરાનો પતંગ-દોરા બજારનો વેપાર રૂા.50 કરોડને આંબી જાય છે.ત્યારે શહેરીજનોને ચાલુ વર્ષે પતંગોના ભાવમાં 25 ટકા વધુ ચુકવવા પડશે.પતંગબજારના પ્રમુખ ઈકબાલભાઈ સૈયદે જણાવ્યું હતું કે, માંડવી થી ગેંડીગેટ રોડ પર ઉત્તરાયણના તહેવાર દરમિયાન 200 જેટલી દુકાનો અને પથારાવાળા પતંગો વેચે છે. જ્યારે શહેરમાં 10 થી 15 કરોડનો પતંગોનો ધંધો થાય છે. ઈકબાલભાઈ સૈયદે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પતંગોમાં 25 ટકાનો ભાવ વધ્યો છે.
 
ગાંધીનગરના પતંગ બજારોમાં મંદીનો માહોલ
વૈશ્વિક મહામારી કોરોનાની શરૂ થયેલી ત્રીજી લહેરનાં કારણે સતત ત્રીજા વર્ષે પણ ઉત્તરાયણને લાગ્યું કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગાંધીનગરમાં પતંગના સ્ટોલ પર ગ્રાહકોની પાંખી ખરીદી જોવા મળતાં વેપારીઓને આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. જોકે, આગામી બે દિવસ ઘરાકી ખુલે તેવી આશા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ બજારમાં કાગડા ઉડી રહ્યા છે. પતંગના હોલસેલ કે છુટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે તે ક્યારે હટશે. આજે પતંગ બજાર સાવ ખાલી જોવા મળે છે. વેપારીઓ નવરા ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે.કોરોના કાળે દરેક તહેવાર અને પ્રસંગો પર મંદીનો માર માર્યો છે.