ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (16:15 IST)

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું પોતાના વતન રાજકોટમાં વર્ચસ્વ ઘટ્યું, વિવાદ બાદ મોકરિયાનો પ્રભાવ વધ્યો

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ એની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે. રાજકોટ શહેર ભાજપનું સૌથી શિસ્તબદ્ધ ગણાતું સંગઠન આજે બે જૂથના મતભેદમાં ફેરવાઈ ગયું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામા બાદ વિજય રૂપાણીના રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની આક્રમક સક્રિયતા અને ધીમે ધીમે તેણે એક અલગ જ ધરી ઊભી કરી હોય એમ બહુ જલદી શહેર ભાજપમાં બે જૂથ રીતસર દેખાવા માંડ્યાં છે, જેની અસર રાજકોટ ભાજપના કાર્યાલયમાં જોવા મળી હતી.

હાલ રાજકોટ ભાજપ કાર્યાલયમાં MP રામ મોકરિયાને ચેમ્બર ફાળવવામાં આવી છે. આ વિવાદ થયા બાદ હાલ પક્ષના કાર્યાલયમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ચેમ્બર MP રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે, સાથોસાથ તેમના નામનું લેટર બોક્સ પણ કાર્યાલયની બહાર લગાડવામાં આવ્યું છે. 9 મહિના પહેલાં રામ મોકરિયા સાંસદ બન્યા બાદ આજે તેમને પક્ષના કાર્યાલયમાં ચેમ્બર ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિવાદ તથા સાંસદ મોકરિયાને જે સવલતો મળી રહી છે એ સાંસદ મોહન કુંડારિયાને હજુ ફાળવવામાં નથી આવી. હજુ સુધી તેમને પક્ષ દ્વારા કાર્યાલયમાં ઓફિસ ફાળવવામાં નથી આવી.

જ્યારે CM પરથી રાજીનામું આપ્યા બાદ પણ રાજકોટ ભાજપ માટે હજુ રૂપાણી જ મુખ્યમંત્રી હોય એમ 'CM વિજય રૂપાણી'ના નામનું લેટર બોક્સ હજુ પણ યથાવત્ રાખવામાં આવ્યું હતું, પરંતુ મીડિયાના અહેવાલથી ભાજપ કાર્યાલય સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક 'પૂર્વ CM વિજય રૂપાણી' લખી વિવાદ ટાળ્યો હતો.2 દિવસ પહેલાં રૂપાણી અને મોકરિયા વચ્ચે થયેલા વિવાદ બાદ પ્રદેશમાંથી શહેર ભાજપમાં રામભાઇ મોકરિયાને સ્થાન મળવું જોઈએ એવા આદેશ થયા હતા, જેને પગલે હવે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીની ઓફિસ રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે, જેથી હવે કમલેશ મીરાણી હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેસશે, પરંતુ રાજકોટ ભાજપમાં રૂપાણી અને મોકરિયાના સમર્થકોએ બે જૂથ પાડી દેતાં નવાં સમીકરણો જોવા મળી રહ્યાં છે.