ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ડિસેમ્બર 2020 (10:27 IST)

નિયમો કી ઐસી કી તૈસી: ઉદ્યોગપતિના રિસેપ્શનમાં હજારો લોકોનો જમાવડો, સાંસદ પૂનમ માડમ માસ્ક વિના ગરમે ઘૂમ્યા

ગુજરાતમાં એક તરફ કોરોના બેકાબૂ બનતો જાય છે અને બીજી તરફ લગ્ન સિઝન ચાલી રહી છે. સરકારે લગ્નમાં 100થી વધુ લોકો હાજર રહેવા પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે માલેતૂજારો અને નેતાઓ નિયમોનો છડેચોક ભંગ કરીને ભવ્ય સમારોહનું આયોજન કરી રહ્યા છે. તાજેતરમાં કાંતિ ગામિતના ત્યાં પૌત્રીની સગાઇના પ્રસંગમાં હજારો લોકો એકઠા થયા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી છે. કાંતિ ગામિત ઉપરાંત કાર્યક્રમના આયોજક એવા એમના પુત્ર અમિત ગામિત અને અન્ય લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્યારે કાંતિ ગામિતના સમાચારો શાહી સૂકાઇ નથી ત્યાં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના મોવાણ ગામે એક ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગમાં કોરોનાની ગાઇડલાઇનની ઐસી કી તૈસી જોવા મળી હતી. મહત્વની વાત છે કે ઉદ્યોગપતિના પુત્રના લગ્ન સમારોહમાં જામનગરના સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યાં હતા. તો ગીતા રબારીના તાલ પર લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરી ગરબે રમ્યા હતા. 
 
જામ ખંભાળિયાના મોવાણ ગામે રહેલા ઉદ્યોગપતિ ભીખુભાઈ ગોજીયાના નિવાસ્થાને લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા રિસેપ્શન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. અહીં કોરોનાના તમામ નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. ગીતા રબારીના તાલ સાથે રાસ લેવામાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ પણ માસ્ક ગર રાસ રમતા જોવા મળી રહ્યાં છે. 
 
કોરોના સંક્રમણને કારણે લગ્ન સમારહોમાં માત્ર 100 લોકોને હાજર રહેવાની મંજૂરી છે. ત્યારે આ પ્રસંગમાં તો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેવામાં પોલીસની કામગીરી સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવું તથા માસ્ક ફરજીયાત પહેરવાની વારંવાર જાહેરાત કરવામાં આવ્યા છતાં તેમની જ પાર્ટીના સાસંદ આ વાતનું પાલન કરી રહ્યાં નથી. તો અહીં લોકો ગીતા રબારીના તાલ પર પૈસા ઉડાવતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આ પ્રસંગના વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.