સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (15:42 IST)

બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એક ડમી વિદ્યાર્થી સહીત 14 ગેરરીતિના કેસ

ગુજરાત શિક્ષણ બોર્ડની આજથી શરૂ થયેલી ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામા પ્રથમ દિવસે તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ થયા છે.જ્યારે વિવિધ જિલ્લામાંથી નોંધાયેલા ગેરરીતિના કેસો મુજબ એક ડમી વિદ્યાર્થી પકડાયો છે તેમજ  બે વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા છે અને જે સાથે કુલ 14 ગેરરીતિના કેસો નોંધાયા છે. પ્રથમ દિવસે સવારે 10થી 1:30 દરમિયાન ધો.10માં ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના પેપરોની પરીક્ષા હતી.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પેપરો એકંદરે સરળ રહ્યા હતા.જ્યારે બીજા સેશનમાં બપોરે 3થી6:30 ધો.12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટનું અને 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર હતુ. જેમાં એકાઉન્ટનું પેપર એકંદરે સરળ  રહ્યુ છે જ્યારે ફિઝિક્સનું પેપર પણ સરળ રહ્યુ છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓને પેપર થોડું લેન્ધી એટલે કે લાંબુ લાગ્યુ હતુ અને જેના લીધે ઘણા વિદ્યાર્થીઓને થોડા માર્કસનું છુટી ગયુ હતું.એકંદરે તમામ પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ થયા હતા.બોર્ડના કંટ્રોલરૂમમાં નોંધાયેલા ગેરરીતિના કેસ મુજબ અમદાવાદ ગ્રામ્યમાં ધો.10માં બે ગેરીરિતના કેસ નોંધાયા હતા.જેમાં બારેજાની પ્રકાશ સ્કૂલમાં એક વિદ્યાર્થી પુસ્તકની માઈક્રો ઝેરોક્ષ સાથે પકડાયો હતો તેમજ જીવરાજ પાર્ક વિસ્તારની શારદા શિશુવિહાર સ્કૂલમાંથી એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો.વિદ્યાર્થી મોડો પહોંચતા ઉતાવળમા સ્ટાફે ચેકિંગ ન કરતા વિદ્યાર્થી કલાસરૂમમાં મોબાઈલ સાથે બેસી ગયો હતો પરંત તપાસ કરતા તે વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ લઈને આવી ગયો હતો. જો કે તેની સામે નિયમ મુજબ પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત ધો.12 સાયન્સની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં અસારવામાં વિશ્વ વિદ્યાલમાં ફિઝિક્સના પેપરમાં એક વિદ્યાર્થી કોપી કરતા પકડાયો હતો. બોર્ડમાં નોંધાયેલ અન્ય કેસ મુજબ ધો.10માં જુનાગઢમાં બે અને સુરેન્દ્રનગરમાં એક કેસ સહિત ધો.10માં આજે સમગ્ર રાજ્યમાં કુલ 5 કોપી કેસ નોંધાયા હતા.સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો. જ્યારે ધો.12માં  ફિઝિક્સના પેપરમાં  ગીર સોમનાથમા પણ એક કોપી કેસ નોંધાયો હતો તેમજ ધો.12 સા.પ્ર.માં એકાઉન્ટના પેપરમાં  ખેડા, જુનાગઢ,ભરૂચ, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને આણંદમાં એક-એક કેસ નોંધાવા સાથે કુલ 7 ગેરરીતિના કેસ નોંધાયા હતા. ધો.12 સા.પ્ર.માં રાજકોટમાં એક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો. પ્રથમ દિવસે હાજર અને ગેરહાજરના આંકડા મુજબ ધો.10માં 857250માંથી 21441 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને ધો.12 સા.પ્ર.માં 226557માંથી  3058 વિદ્યાર્થી ગેરહાજર રહયા હતા અને ધો.12 સાયન્સમાં 140708માંથી 1496 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.નાની-મોટી સામાન્ય ઘટનાઓને બાદ કરતા આજની બોર્ડ પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી.