ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (16:35 IST)

ચોટીલા પાસે ચાલુ કાર પર કોલસા ભરેલું ડમ્પર પડ્યું, સસરા અને જમાઈનું મોત

Gujarat Accident news in Gujarati
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ ગયો છે. બેકાબુ સ્પીડ પર હાઈવે પર દોડતા વાહનો અકસ્માતો સર્જી રહ્યાં છે. પરંતુ રાજકોટ અમદાવાદ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બેના મોત નિપજ્યાં છે. જ્યારે બે લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માતમાં કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. ક્રેનની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યાં હતાં. 
 
કાર પર ડમ્પર પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચોટીલા-સાયલા પાસે આજે જામનગરનો એક પરિવાર નડિયાદમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. તેમની કાર પર કોલસા ભરેલું ડમ્પર પડતા કારમાં સવાર સસરા અને જમાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાર પર ડમ્પર પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 
 
ચોટીલા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતની આ ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોટીલા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને પોલીસે ફરીવાર ધમધમતો કર્યો હતો.