ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (12:55 IST)

અમદાવાદમાં નર્સ યુવતીને લવ મેરેજ ભારે પડ્યા, પતિ નાહ્યા વિના ફરે છે અને બ્રશ પણ કરતો નથી, માતા પિતાએ કહ્યું જેવો છે એવો તારો પતિ છે

પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં હોય ત્યારે યુવક યુવતી બધું ભૂલી અને એકબીજાને પામવા અને સાથે જીવનભર રહેવા માંગતા હોય છે. જો કે ક્યારેક પ્રેમ કરવો યુવક અથવા યુવતીને આખી જિંદગી માટે ભારે પડતો હોય છે. મૂળ ખેડાની રહેવાસી નર્સ યુવતીને પ્રેમના કારણે આજે માતા-પિતાથી અલગ અને એકલા રહેવાનો સમય આવ્યો છે. પ્રેમ લગ્ન કર્યાના ત્રણ મહિનામાં યુવતીને ખબર પડી હતી કે પતિ અભણ છે, સ્નાન અને બ્રશ પણ નથી કરતા. તેમજ માનસિક સંતુલન ઓછું છે. જેથી પોતે પતિને છોડી પિતાના ઘરે પરત આવી હતી. જો કે માતા-પિતાએ હવે એ જ તારું ઘર છે અને ત્યાં જ રહેવું પડશે કહી કાઢી મૂકી હતી. મામાના ઘરે પણ નહીં રહેવા દબાણ કરતાં યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.મહિલા હેલ્પલાઈન અભ્યમ 181ને યુવતીનો ફોન આવ્યો હતો કે પોતે હાલ સેટેલાઇટ વિસ્તારમાં મામાના ઘરે છે અને પોતે પરણિત છે પરંતુ સાસરે નથી જવું અને માતા- પિતા હવે રાખવા તૈયાર નથી. જેથી મદદની જરૂર છે. મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. યુવતીની પૂછપરછ કરતા પોતે મૂળ ખેડા જિલ્લાની રહેવાસી છે. તેની ઉંમર 22 વર્ષની છે. પોતે નર્સ તરીકે નોકરી કરે છે.  યુવતીને મહેસાણામાં રહેતા એક યુવક સાથે તેમને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને અલગ જ્ઞાતિના હતા. જેથી લગ્ન કરવાની યુવતીના પરિવારે ના પાડી હતી. જો કે છેવટે એકબીજાને પ્રેમ કરતા હોય માતા-પિતાની ના છતાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન કર્યાના ત્રણ મહિના સાથે રહેતા યુવતીને ધીરે ધીરે ખબર પડી હતી કે પતિ કઈ કમાતો નથી, અભણ છે. માનસિક સંતુલન ઓછું છે. પોતે નાહતા પણ નથી. પતિના આવા વર્તન વિશે જાણ થતાં યુવતી પોતાના માતા-પિતાને ઘરે પરત ગઈ હતી. જો કે યુવતીના માતા-પિતાએ તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તે પ્રેમ કરવાની ભૂલ કરી છે અને હવે જેવો છે એવો તારો પતિ છે જેથી તારે ત્યાં જ રહેવુ પડશે નહિ તો સમાજમાં અમારી ઈજ્જત શું રહેશે. જો કે યુવતીને પતિ પાસે સાસરે જવું ન હતું. જેથી મામાના ઘરે જતી રહી હતી. ત્યાં થોડા દિવસ રહી હતી પરંતુ મામાના ત્યાં ન રહેવા માતા-પિતાએ દબાણ કરતાં છેવટે પોતે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. યુવતીને હવે છૂટાછેડા લેવા હતા જેથી મહિલા હેલ્પલાઈને તેમને જરૂરી માર્ગદર્શન આપી સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલી આપી હતી.