શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2020 (08:37 IST)

મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત: GEBના માર્ચ-એપ્રિલના વીજ બિલો તા. ૧પમી મે સુધી ભરી શકાશે

કોરોના વાયરસની સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રવર્તમાન સ્થિતીની સમિક્ષા કરતા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ  ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. ૧પમી મે સુધી કરવામાં આવી છે. તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે.
 
મુખ્યમંત્રીવિજય રૂપાણીએ આ જાહેરાત કરતા વધુમાં કહ્યું કે હાલની લોકડાઉનની પરિસ્થિતીને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ છે તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો-નાના દુકાનધારકો જેમને જીઇબીના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ ચાર્જી લેવામાં આવશે નહિ, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોર કમિટીની મળેલી આ બેઠકમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને વરિષ્ઠ સચિવોએ સર્વગ્રાહી સમીક્ષા અને ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય કરેલો છે.
 
મુખ્યમંત્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા પ્રધાનમંત્રીએ ર૧ દિવસ માટે દેશવ્યાપી લોકડાઉનની જે જાહેરાત કરી છે તેને ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને સફળ બનાવી રહ્યા છે અને આ વાયરસ સામે સુરક્ષિત રહેવાની જે જાગરૂકતા દર્શાવી છે તે માટે આભાર પણ વ્યકત કર્યો હતો. તેમણે સૌ સાથે મળીને આ મહામારી સામે અવશ્ય વિજય મેળવીશું તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.