મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (12:56 IST)

પ્રેમિકાને પામવા માટે પત્નીને ડ્રગ્સનાં ઇન્જેક્શન આપનારા પતિની ધરપકડ

વસ્ત્રાલમાં પતિ પત્ની ઔર વો જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાને પામવા માટે પતિ પત્નીને ડ્રગ્સનું ઇન્જેક્શન આપતો હતો. એટલું જ નહી ત્રણ દિવસથી ઘરમાં ગોંધી રાખી હતી, જો કે સદ્નસીબે બહેનપણી આવી જતાં મહિલાનો છૂટકારો થયો હતો. મહિલાને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે રામોલ પોલીસે પતિ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ પેટ્રોલ પંપ પાસે ગજાનંદ ફ્લેટમાં રહેતા દર્શનાબહેન કૃણાલભાઇ નાગર (ઉ.વ.૩૪)એ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, કે ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા કૃણાલ સુરેશભાઇ નાગર સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા સંતાનમાં છ વર્ષનો એક પુત્ર છે, તેઓ પરિવાર સાથે ઉપરોક્ત મકાનમાં ભાડે રહેતા હતા. પતિને છેલ્લા કેટલાક સમયથી વાડજમાં રહેતી ગીતાબહેન ઠાકોર નામની યુવતી સાથે પ્રેમ સબંધ હતો, જેને લઇને દંપતી વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. દર્શના બહેનએ પતિ સામે આક્ષેપ કર્યો છે કે તેઓ બિમાર પડયા હોવાથી પતિ દવા આપતા હતા અને ડ્રગ્સના ઇન્જેકશન આપતા જેથી તે બેભાન થઇ સૂઇ જતા હતા, જ્યારે પતિ ઘર બંધ કરીને જતા રહેતા હતા. ત્રણ દિવસથી પત્નીને બેભાન કરીને એક રૃમમાં પૂરી રાખી હતી. એટલું જ નહી પતિએ પત્ની પાસેથી મોબાઇલ પણ લઇ લીધો હતો. ગઇકાલે બહેનપણી તેમના ઘરે આવી હતી દર્શના બહેન વિશે પૂછતાં પતિએ કહ્યું કે તે હાલમાં સૂઇ ગઇ છે, જેથી તમારી સાથે વાત નહી કરી શકે, જો કે ત્રણ દિવસથી બહાર જતી જોઇ ન હોવાથી પડોશમાં રહેતી બહેનપણીને શંકા જતા દર્શનાબહેનના ભાઇને ફોન કરીને જાણ કરી હતી. જેને લઇને ફરિયાદીના ભાઇ-બહેન તથા બનેવી ગઇકાલે રાત્રે આવી પહોચ્યા હતા અને તેઓને બેભાન હાલતમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે ભાનમાં આવતાં મહિલાએ રામોલ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ, કે.એસ.દવેએ જણાવ્યું હતું.