મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2019 (14:38 IST)

ભાજપના વિપુલ ચોધરીએ કોંગ્રેસના નેતાઓ સાથે બંધ બારણે મુલાકાત કરતાં અટકળો શરુ

લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગુરૂવારે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીએ ડેરીના ગેસ્ટ હાઉસમાં કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે મળેલી બેઠકે અનેક તર્કવિતર્કો સર્જ્યા છે. ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમા જોડાવવાની તૈયારી કરતા હોવાની પણ અટકળો વહેતી થઇ હતી. મહેસાણામા ઠાકોર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ધારાસભ્ય ભરતજી, એ.જે.પટેલ મહેસાણા દૂધ સાગર ડેરી પહોંચી ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીને મળતા લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાજકીય ગરમાવો સર્જાયો હતો. નેતાઓ સાથે ડેરીના ગેસ્ટ હાઉસમાં બંધ બારણે મળેલી બેઠકમાં ડેરીના અધ્યક્ષ આશાબેન ઠાકોર અને મોઘજીભાઇ ચૌધરી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દૂધ સાગર ડેરીના દૂધની ચા પીવડાવનારા વિપુલ ચૌધરી કોંગ્રેસમા જઇ રહ્યાના સંકેત હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે. વિપુલ ચૌધરી પોતાની રાજકીય તાકાત બતાવવા ઠાકોર કાર્ડ ખેલી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે અલ્પેશ ઠાકોરની કોંગ્રેસમાંથી પીછેહઠ સમયે ચૂંટણી દરમિયાન ડેરીના વાઈસચેરમેન મોઘજીભાઈએ પણ ભાજપને નિશાન બનાવીને કોંગ્રેસની તરફેણ કરી હતી.