ગુજરાતમાં હીટવેવથી ત્રાહિમામ, ગરમીએ રાજકોટનો 133 વર્ષનો તોડ્યો રેકોર્ડ
ગુજરાતમાં હીટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આજે પણ હવામાન વિભાગે કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાતો હોઇ DEOએ શાળાઓને સમય સવારનો કરવા આદેશ કર્યો છે.
આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ.1892 થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં આજે 133 વર્ષનું સૌથી વઘુ 45.2 સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે. ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું 133 વર્ષનું સૌથી વઘુ તાપમાન તા.14-04-2017ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે.
આજના દિવસે અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, ડીસા અને ગાંધીનગર સહિતના 8 જેટલા શહેરોમાં હિટવેવ રહી. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા. અમદાવાદની વાત કરીએ તો સીઝનનું સૌથી વઘુ મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી આજે નોંધાયુ હતુ. જ્યારે આજે બપોરે 12 વાગ્યાથી જ તાપમાન 40 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ અને બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી હતી.