રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (15:30 IST)

રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે નામ ન આવતા વોર્ડ નં. 14ના પ્રમુખે શહેર પ્રમુખને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે રાજકોટ મનપામાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં સિનિયર અને દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નં.14ના ભાજપના પ્રમુખ અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને રાજીનામાની ચિમકી આપી ગાળો ભાંડી હતી. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે કાર્યાલયનો દરવાજો બંધ કરી મીડિયાને અંદર આવવા દીધું નહોતું.ઉમેદવાર તરીકે નામ ન આવતા અનિષ જોશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પ્રેસ દરમિયાન ગાળો ભાંડી હતી. બાદમાં નારાજ થઇને ભાજપનું કાર્યાલય છોડી જતા રહ્યાં હતા. અનિષ જોશીની નારાજગીથી શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યાલયની ઓફિસમાં દરવાજો બંધ કરી જતા રહ્યાં હતા. મીડિયાને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી મારી રાજકોટ ભાજપમાં ઉપેક્ષા થઇ રહી છે. હું ગઇકાલે પણ ભંડેરી-ભારદ્વાજ અને મીરાણીને મળ્યો હતો. તેમણે મને સિનિયોરિટી મુજબ ટિકિટ આપવાની હા પાડી હતી. છતાં પણ કંઈ થયું નથી. સી.આર.પાટીલને મારી નમ્ર અરજ છે કે, રાજકોટમાં સિનિયોરિટી મુજબ ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે.આવતીકાલે શુક્રવારે ભાજપના 72 ઉમેદવારો ફોર્મ ભરશે. જેને લઇને શહેરના બહુમાળી ભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બહુમાળી ભવન ખાતે ભાજપે રસ્તા વચ્ચે મંડપો બાંધ્યા છે. આથી વાહનચાલકોને સર્કલ ફર્યા વગર જ રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે. આ કારણે વાહનચાલકોમાં અકસ્માત વધે તેવો ડર છે. ગઇકાલે જ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. ભાજપે ‘રાજકોટનો કર્યો કાયાકલ્પ, ભાજપનો નથી કોઇ વિકલ્પ’ લખાણ સાથેના બેનરો લગાવી અને કોંગ્રેસના દાવેદારોએ પંજાના નિશાન સાથે વ્યક્તિગત પ્રચાર કરી રહ્યાં છે.