પાક વીમાના કોલ સેન્ટરોના ટોલ ફ્રી નંબરો પર ફોન ન લાગતા હોવાની ફરિયાદ
રાજ્યમાં પાક વીમાના મુદ્દે ખેડૂતોનો વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબરો પર સંપર્ક ન થઈ શકતો હોવાની રાવ ઉઠી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયા બાદ રાજ્ય સરકારે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા હતા. જોકે, ઘણા જિલ્લાઓમાંથી ખેડૂતોની ફરિયાદ આવી રહી છે કે ટોલ ફ્રી નંબર પરથી સંપર્ક થઈ રહ્યો નથી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી છે. આ સૂચનાને પગલે ચીફ સેક્રેટરીએ તાત્કાલિક નિકાલ કરવા અધિકારીઓની તાકીદ કરી અને તમામ નંબરો કાર્યરત રહે તે મુદ્દે અધિકારીઓને સૂચના આપી છે. ટોલ ફ્રી નંબર મુદ્દે કોઈ પણ ફરિયાદો આવે તો મુખ્ય સચિવ જાતે તેના પર સીધી નજર રાખશે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવીને જોડાયેલા નેતાઓ તેજશ્રીબેન પટેલ અને ધવલસિંહ ઝાલા એ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. ધવલસિહ ઝાલાએ પત્ર લખીને ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી છે. બાયડ વિસ્તારના ખેડૂતોને વળતર ચૂકવવા ધવલસિંહે માંગણી કરી છે,તો તેજશ્રીબેન પટેલે કૃષિ પ્રધાન આર.સી.ફળદુને પત્ર લખીને વિરમગામ માંડલ અને દેત્રોજ ના ખેડૂતોને વળતર ચૂકવવા માંગણી કરી છે.દરમિયાન ગુજરાત કૉંગ્રેસના નેતા પાલ આંબલિયાએ એક વીડિયો જાહેર કરી અને સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે. આંબલિયાએ વીડિયોમાં જણાવ્યું છે કે સરકારે ટોલ ફ્રી નંબર નો સંપર્ક ન થાય તો શું કરવું તેની માહિતી જાણી જોઈને ન આપી. આંબલિયાએ અપીલ કરી છે કે ખેડૂતો તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી પાક વીમા મુદ્દે રજૂઆત કરી શકે છે.