1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (20:54 IST)

તાઉ'તે વાવાઝોડા: ધોલેરા અને ઘંઘૂકાના ૨૦૦૦થી વઘુ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા

તાઉ’તે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા અને ઘંઘૂકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના ૨૦૦૦ થી વઘુ  લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.
 
ઘોલેરા તાલુકાના ૩૧ સલામત સ્થળોએ  અને ઘંઘૂકા તાલુકામા ઊભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. ધોલેરામાં 'મલ્ટી પર્પસ cyclone સેન્ટર' છે, જ્યાં  એન.ડી.આર.એફ.ની એક ટીમ  તૈનાત કરવામાં આવી છે.
 
તમામ વ્યક્તિઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ  કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર સ્થળાંતર કામગીરી દરમ્યાન એક પણ કોરોના સંક્રમિત- પોઝિટિવ જણાઇ આવેલ નથી.
સેવાભાવી સંસ્થાના સહયોગથી ચાર થી પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર  કરાવવામાં આવશે. ‌આશ્રય સ્થાનોમાં રહેલ તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.