ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:29 IST)

આર્થિક ધોરણે બધાય સમાજને અનામત આપો તો,આંદોલન બંધ : હાર્દિક પટેલ

ગુજરાતમાં ફરી એકવાર અનામત પાર્ટ-૨નો ધમધમાટ શરુ કરવા પાટીદાર આંદોલનકારીઓ તૈયારીઓ કરી રહ્યાં છે. રવિવારે અમદાવાદમાં આંદોલનકારી નેતા હાર્દિક પટેલના નિવાસસ્થાને પાસના કન્વિનરોની બેઠક યોજાઇ હતી જેમાં ૨૫મી ઓગષ્ટથી શરુ થનારાં આમરણાંત ઉપવાસની રણનીતિ ઘડાઇ હતી.આ બેઠકમાં હાર્દિકે એવો મત વ્યક્ત કર્યો કે, જો આર્થિક ધોરણે તમામ સમાજને અનામત આપવાની વિચારણા કરાશે તો,આંદોલન બંધ કરી દઇશ. જોકે,15-18ના આર્થિક અનામતના નામે લોલીપોપ ચાલશે નહીં. પાટીદાર આંદોલનકારીઓની બેઠકમાં ૨૪ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા થઇ હતી. બેઠકમાં ઉપવાસ માટે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી.જોકે,અમદાવાદ મ્યુનિ.તંત્ર કે પોલીસ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી આપે તેમ નથી. બેઠક બાદ હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આર્થિક દ્રષ્ટિએ બધાય સમાજને અનામત મળે તે દિશામાં વિચારણા થવી જોઇએ અને તેમને સમર્થન મળવુ જોઇએ. એસટી,એસસી સમાજ મારી સાથે છે. જો મને જેલમાં મોકલાશે તો,હું જેલમાં ય ઉપવાસ કરીશ. તેણે એમ પણ કહ્યું કે,૨૫મી ઓગષ્ટે આમરણાંત ઉપવાસ થઇને જ રહેશે.જો પોલીસ મંજૂરી નહી આપે તો,હાઇકોર્ટના દરવાજા ખટખટાવીશું.જયાં ઝુકવુ હશે ત્યાં ઝુકીશુ પણ.ખાસ કરીને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ ધ્યાન રાખવામા આવશે. ૨૫મીએ બપોરે બે વાગે આમરણાંત ઉપવાસ શરુ થશે.આંદોલનકારીઓએ એવો દાવો કર્યો કે,ઉપવાસના પ્રથમ દિવસે ૫૦ હજાર લોકો એકઠાં થશે જેમાં ૧૪૦ ગામડાઓના ખેડૂતોનો સમાવેશ થાય છે.આ ઉપવાસ આંદોલનમાં મરાઠા,ગુર્જરો ઉપરાંત અન્ય રાજ્યના રાજનેતાઓ પણ જોડાનાર છે.ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને આંદોલનને સહયોગ આપવા પત્ર લખવામાં આવશે. બેઠકમાં પાસના કુલ ૭૦૦થી વધુ કન્વિનરો સહિતના આંદોલનકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.લોકસભાની ચૂંટણીને પગલે પાટીદારોનું અનામત આંદોલન ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે.