1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (12:21 IST)

હાર્દિક પટેલે ફરીવાર આંદોલન કરવાની યોજના ઘડી

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રવિવારે ગુજરાત જનજાગૃતિ યાત્રા યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યના 26 જિલ્લાઓમાં હાર્દિક ખેડૂતોના પ્રશ્નો, યુવાનોની બેરોજગારી અને પાટીદારોને અનામત મળે તે માટે લોકોને જાગૃત કરશે. મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે કહ્યું કે, બે મહિના પછી તે 18-18 દિવસની જનજાગૃતિ યાત્રાનો પ્રારંભ કરશે. ગુજરાત જનજાગૃતિ યાત્રાનો પ્રારંભ બે મહિના પછી થશે. જેમાં રાજ્યના 26 જિલ્લાને આવરી લેવાશે. ગુજરાત જનજાગૃતિ યાત્રા દરેક જિલ્લામાં 18 દિવસ રોકાશે.

યાત્રામાં ગામડાંના લોકોને સિસ્ટમમાં રહેલી ખામીઓ અને સરકારની ખરાબ નીતિઓ સામે લડવા એકજૂથ કરવાનો પ્રયાસ કરાશે. આ જનજાગૃતિ યાત્રા જૂનાગઢથી શરૂ થશે. હાર્દિકે વધુમાં કહ્યું કે, અમે બદલાવ નફરત અને હિંસાથી નહીં પરંતુ પ્રેમ અને કરુણાથી લાવીશું. મારી લડત સિસ્ટમમાં બદલાવ લાવવા માટેની છે. આ યાત્રાનો હેતુ લોકોમાં તેમના બંધારણીય અધિકારો અંગે જાગૃતિ લાવવાનો છે.”હાર્દિક અને PAASના સભ્યો બંધારણીય રીતે પાટીદારોને અનામત મળે તેના માટે લડત ચલાવી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોની દેવા માફી અને પાકના મળતા ભાવો વધે, યુવાનોને રોજગારી મળે તે માટે પણ સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PAASની આ યાત્રા 2019માં લોકસભાની ચૂંટણી સુધી ચાલશે.