રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (09:34 IST)

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર 15 દિવસ માટે ભારે વાહનો પર પ્રતિબંધ

narmada
ભરૂચ-અંક્લેશ્વરને જોડી ટ્વિન સીટીનો અનુભવ કરાવતાં નર્મદા મૈયા બ્રજ પર વધતાં અકસ્માતોને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટે ગુરૂવારથી તમામ ભારે વાહનો પર 15 દિવસ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ખાનગી વાહનો સાથે સરકારી એસટી વિભાગ પર પણ તેની અસર પડશે.સરકારના આ નિર્ણયથી સરકારી એસ.ટી. તંત્રને જ રોજનું ₹1.48 લાખનું ભારણ આવી પડ્યું છે.

ભરૂચ નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ ભરૂચ-અંક્લેશ્વર વચ્ચેનો મહત્વનો સેતું હતો. ત્યારે સરકાર દ્વારા તેના સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરાયું છે. જે 11 મહિનાથી કાર્યરત થતાં તેનો સૌથી વધુ લાભ સરકારી એસ.ટી. તંત્ર અને તેના મુસાફરોને પણ સાંપડ્યો હતો. ઝડપી મુસાફરી સમયની બચત સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ટોલ ટેક્સ અને ડીઝલની પણ બચત થતી હતી.મુસાફરોને પણ વડોદરા-સુરત વચ્ચે નર્મદા મૈયા બ્રિજના કારણે ઝડપી અને સમય બચાવતી સફર મળી રહેતી હતી.જોકે ગુરુવારથી 15 દિવસ માટે નર્મદ મૈયા બ્રિજ ઉપર તમામ ભારે વાહનો એસ.ટી. બસ સહિતને પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય કચેરીના એડમીન ઓફિસર એન.પી. પટેલે જણાવ્યું હતું કે, બન્ને તરફ રોજની 950 થી વધુ ST બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હતી. જેના કારણે 3.5 કિલોમીટરનું અંતર પણ ઘટતા 85 રૂપિયા ટોલટેક્ષ સાથે ડીઝલની પણ બચત થતી હતી.હવે નર્મદા મૈયા બ્રિજ પરથી એસ.ટી. બસ અવરજવર નહિ કરી શકતા 950 બસો રોજિંદી લેખે ટોલટેક્સનું રૂપિયા 80750 નો આર્થિક બોજ, 665 લીટર વધુ ડીઝલ ફૂંકાતા રૂપિયા 64505નું ભારણ મળી રોજ રૂપિયા 1.48 લાખનો માર એસ.ટી. ને પડશે. હાલ 15 દિવસ આ જાહેરનામું અમલી છે તે જોતા એ.ટી. નિગમને રૂપિયા 22.33 લાખનો વધારાનો આર્થિક ફટકો વેઠવાનો વારો આવ્યો છે.