બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (10:25 IST)

લોકડાઉનને કારણે વેડિંગ, ઇવેન્ટ અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રીને લાખો-કરોડો રૂપિયાનું નુકશાન, છૂટછાટ આપવાની કરી માગ

ભારત સરકારે કોવિડ-19 મહામારીના ફેલાવાને નિયંત્રણમાં રાખવા દેશભરમાં સજ્જડ લોકડાઉનની જાહેરાત કરતાં અર્થવ્યવસ્થાના લગભગ તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોને જંગી ફટકો પડ્યો છે અને ઘણાં ઉદ્યોગો મૃતપાય સ્થિતિમાં આવી ગયાં છે. લગભગ લાખો કરોડનું જંગી કદ ધરાવતા અને કરોડો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પ્રદાન કરતાં વેડિંગ, ઇવેન્ટ અને એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી પણ મંદીના પ્રકોપથી બચી શકી નથી. 
 
જોકે, અર્થવ્યવસ્થાને ટેકો આપવા સરકારે સ્પષ્ટ માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો સાથે ઉદ્યોગ-ધંધા પુનઃશરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે માત્ર રૂ. 100 વ્યક્તિની હાજરીની શરતી મંજૂરી અપાઇ છે અને એક્ઝિબિશન તથા કોન્ફરન્સ સેક્ટરને કોઇ છૂટ આપવામાં આવી નથી, પરિણામે ઉદ્યોગને જરાય રાહત અનુભવાઇ નથી.
 
લોકડાઉનમાં મોટી સંખ્યામાં લગ્ન તથા પ્રદર્શનના બુકિંગ કેન્સલ થવાને કારણે કેટરિંગ, મંડપ ડેકોરેટર્સ, પાર્ટી-પ્લોટ, ફોટોગ્રાફી સહિતના તમામ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંકળાયેલા બિઝનેસિસને જંગી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભારતના જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપતા આ ઉદ્યોગોએ એક અંદાજ મૂજબ આ તમામ ઉદ્યોગોને કરોડોની ખોટ થઇ છે અને કોઇ નક્કર પગલાં અથવા રાહત આપવામાં નહીં આવે તો ઘણાં ઉદ્યોગો બંધ થઇ જવાના તથા મોટી સંખ્યામાં લોકોની રોજગાર ઉપર જોખમ તોળાઇ ગયું છે.
 
આ સ્થિતિને લક્ષ્યમાં લઇને આજે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન, ઇવેન્ટ ઇકવીપમેન્ટ રેન્ટલ એસોસિયેશન(EERA), ઇન્ડિયન એક્ઝિબિટર્સ, કોન્ફરન્સિસ એન્ડ ઇવેન્ટ્સ સર્વિસિસ એસોસિયેશન (આઇઇએસએ), વીપીએજી, વીપીઇઇઆરએ તથા મંડપ કેકોર ડાયરર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિયેશનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગના અગ્રણીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઉદ્યોગ માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની તથા કાર્યક્રમમાં માત્ર 100 જ વ્યક્તિ હાજર રહેવાની મર્યાદા ઉઠાવી લેવા વિનંતી કરી હતી.
 
આ અંગે કેટરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, "અનલોકની માર્ગદર્શિકા સાથે હાલના સમયમાં મહત્તમ 100 મહેમાનો સાથે લગ્ન સમારંભોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં ઉદ્યોગની આશા મુજબ તે પર્યાપ્ત નથી. ભારત સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવતો ભિન્ન દેશ છે, જ્યાં લગ્ન, ઉત્સવો તથા અન્ય પ્રસંગો ખૂબજ ઉત્સાહ પૂર્વક ઉજવાતા પ્રસંગો પૈકીના એક છે. આ કાર્યક્રમો મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ પ્રદાન કરે છે ત્યારે સરકાર મહેમાનોના ઉપસ્થિત રહેવાની સંખ્યામાં વધારો કરે તેવી અમારી માગણી છે."
 
ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશનના સ્થાપક અને પ્રમુખ ડો.જયદીપ મહેતાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19ની મહામારીને કારણે અર્થવ્યવસ્થા જંગી નુકશાનનો સામનો કરી રહી છે. નાના-મોટા ઉદ્યોગો કોરોનાના ફટકાએ દરેકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યુ છે. વ્યવસાયો જટિલતા, અનિશ્ચિતતા અને અવિશ્વસનીય ભવિષ્યનો સામનો કરી રહ્યા છે. કોરોના વોરિયર્સ અને સરકારનો આભાર કે જેઓ અર્થવ્યવસ્થાને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. 
 
અલબત, મુશ્કેલીઓ હોવા છતાં, જીવન આગળ વધવું જ જોઈએ! સરકાર અનલોકિંગની રણનીતિ અપનાવી રહી છે જેણે સેંકડો હજારો ઉદ્યોગોને અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચોક્કસપણે ઓક્સિજન પુરુ પાડ્યુ છે. જોકે, વેડિંગ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને એક્ઝિબિશનને અનલોકિંગની ગાઇડલાઇનમાંથી આજે પણ રાહતનો શ્વાસ મળ્યો નથી."
 
ઇન્ડિયન એક્ઝિબિટર્સ, કોન્ફરન્સિસ એન્ડ ઇવેન્ટ્સ સર્વિસિસ એસોસિયેશનના જતીન પટેલ (દેવઘર)એ જણાવ્યું હતું કે, એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર્સ તથા સપ્લાયરો આજે ભારે ભીંસમાં આવી ગયાં છે. તેમનું ભાવિ ધૂંધળું થઇ ગયું છે ત્યારે આ સેક્ટરમાં ફરીથી ક્યારે ઉભા થઇ શકશે તે દેખાઇ રહ્યું નથી. માર્ચ 2020થી શરૂ થયેલું લોકડાઉન હજી સુધી ખુલ્યું નથી. આ સેક્ટર દરેક ઉદ્યોગોની અને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ માટે સીધી સહાય કરે છે. 
 
હાલ લોકડાઉનના પાંચ મહિનામાં આ સેક્ટર સાથે સંકળાયેલ તમામ વ્યવસાય કરનારાઓને ખુબજ મોટું નુકશાન થયું છે. આ સેક્ટરને ખુલ્લું મૂકવાની મંજૂરી આપ્યાંના 6થી8 અઠવાડિયા બાદ જ આ સેક્ટરનું કાર્ય શરૂ થઇ શકે તેમ છે. સેક્ટર ખુલ્લું મૂકવા માટે આઇઇઆઇએ તથા આઇટીપીઓએ જુલાઇ માસમાં સરકારશ્રીને પત્ર દ્વારા સેક્ટર ખુલ્લું મૂકવા રજૂઆત કરેલ હતી પણ હજી સુધી કોઇ મંજૂરી મળી નથી.
 
મંડપ હાયર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશનના પીન્ટુ ભાઇ (પૂજન ડેકોરેટર) એ જણાવ્યું હતું કે, "આ મહામારીની પરિસ્થિતિએ અમારા ધંધાને વ્યાપકપણ પ્રભાવિત કર્યો છે. ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે હું સરકારને પ્રતિબંધો હળવા કરવા માટે અપીલ કરું છું, જેથી અમે ફરીથી અમારો વ્યવસાય શરૂ કરી શકીએ. અમે સરકારને ખાતરી આપી છે કે તમામ માર્ગદર્શિકાઓનું કડક રીતે પાલન કરવામાં આવશે.” આવનાર લગ્ન ની સીઝન માટે અત્યાર થી માર્ગદર્શીકા ની જાહેરાત કરવામાં આવે તો લોકો લગ્નનું પ્લાનીંગ એડવાન્સ માં કરી શકે.
 
વીડિયો ફોટોગ્રાફર એસોસિએશન ઓફ ગુજરાતના હર્ષદ જાટકીયા એ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં તથા બીજા કોઈ પણ ધાર્મિક, સામાજિક, રાજકીય અથવા ધંધાકીય પ્રસંગોમાં ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી એક અનિવાર્ય અંગ બની ચૂક્યા છે. મોટા પાયે સ્વરોજગારી જે વ્યવસાયે ઊભી કરી છે તેવો વ્યવસાય અત્યારે મૃતપાય સ્થિતિમાં મુકાઇ ગયો છે.આ વ્યવસાયમાં સંકળાયેલ લોકો તથા તેમના કુટંબીજનોને જીવનનિર્વાહ ચલાવવો ખૂબ જ મુશ્કેલ/ અશક્ય થઈ ગયેલ છે.  તેમને તેમના ધંધા ચલાવવા માટે જે લોન લીધી છે તેના હપ્તા ભરવા પણ અશક્ય થઈ ગયા છે તથા બીજા કાયદાકીય ચુકવણીઓ કરવી પણ અઘરી થઈ ગઈ છે. તેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે નવેમ્બર 2020 થી ચાલુ થતી નવી લગ્ન સીઝનની અંદર ઓછામાં ઓછા ૪૦૦ થી ૫૦૦ માણસની છૂટ આપવી જોઈએ અને તેની ઇફેક્ટ ભલે નવેમ્બર મહિનાથી ચાલુ થાય પરંતુ  તેનું એનાઉન્સમેન્ટ હાલના તબક્કે જ કરવું જોઈએ તો જ નવી લગ્ન સિઝન સફળ થઈ શકે.
 
હવે સપ્ટેમ્બર મહિનો આવી ગયો છે તેમ છતાં આશાની કિરણો દેખાઇ રહ્યાં નથી. કારણ કે, આ મહિનાથી પ્રસંગોની ઉજવણીની શરૂઆત થતી હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તેમાં કોઈ શંકા નથી કે લગ્ન અને ઇવેન્ટ્સ ઉદ્યોગો સાથે સંકળાયેલા સેંકડો હજારો વ્યવસાયો માટે તેમનું એસ્તિત્વ જીવન ટકાવી રાખવા માટેનો આ છેલ્લો આશરો હોઇ શકે છે. 22મી સપ્ટેમ્બરને ધ્યાનમાં રાખીને, એફઆઈએસીએ ભારતના વડાપ્રધાનને લગ્ન દીઠ 100 વ્યક્તિઓની મર્યાદા પર પુનર્વિચારણા કરવા અને આવશ્યક સલામતીની જરૂરી સાવચેતીઓનું પાલન કરીને મોટી સંખ્યામાં મહેમાનો બોલાવવા માટે વિશાળ જગ્યામાં પ્રસંગોનું આયોજન કરવાની વિનંતી કરતો પત્ર લખ્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ઉદ્યોગોના સંલગ્ન વ્યવસાયોમાં કેટરર્સ, ઇવેન્ટ પ્લાનર્સ, ફુલવાળા, ટેન્ટ અને મંડપ કોન્ટ્રાકટરો, ફર્નિચરવાળા, ટ્રાન્સપોર્ટર, લાઇટ અને સાઉન્ડની સર્વિસ આપનાર કોન્ટ્રાક્ટરો, ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરો, પ્રિન્ટર્સ, વિવિધ મ્યુઝિકલ અને પર્ફોર્મિંગ આર્ટિસ્ટ, બ્યુટિશિયન, જ્વેલર્સ, કાપડના વેપારીઓ, ડિઝાઇનર્સ, ઇવેન્ટ પ્લાનર્સ, ટૂર ઓપરેટર્સ, હોટલ, બેંક્વેટ-હોલ, પાર્ટી પ્લોટ તથા અન્ય અને ઘણા બધા જોડાયેલા છે. આમ સરકાર દ્વારા કોઇપણ પ્રકારની જાહેરાત એક વિશાળ વર્ગને અસરકર્તા છે. પોતાના દિલમાં એક આશા અને નજરમાં એક આશાવાદ સાથે, આ ઉદ્યોગજગત સરકાર તરફથી સાનુકુળ તેમજ સહમત ઉકેલની અપેક્ષા રાખી રહ્યું છે.
 
ઇવેન્ટ ઇકવીપમેન્ટ રેન્ટલ એસોસિયેશન(EERA) ના જણાવ્યા પ્રમાણે અમારી ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીઝમાં કરોડોના રોકાણ હોય છે. જેના ખૂબ મોટા હપ્તા હોય છે. અમારી ઈન્ડસ્ટ્રીઝમાં હાઈલી કોલીફાઈડ એન્જિનિયર તથા ટેકનિકલ માણસ તથા કારીગર અને મજૂર હોય છે જે લોકોના માસિક ઘણો ઊંચો પગાર આપવો પડતો હોય છે.
લોકડાઉનની પરિસ્થિતિ માં કોઈપણ પ્રકારના ધંધાની આવક ન હોવા છતાં તમામ ખર્ચ યથાવત છે.
 
આ પરિસ્થિતિ ના કારણે અમારી ઈનડસ્ટ્રીઝ ની ઘણી બધી કંપનીઓ બંધ થવાના આરે છે આ સંજોગો માં ઘણાં સાઉન્ડ વાળા  એ લોન તથા ખર્ચ ને પહોંચી ન વળવાને પોતાના ધંધા બંધ કરવાની ફરજ પડી હતી અને જો આ પરિસ્થિતિ યથાવત રહે તો બીજા ઘણા લોકો પણ આ પરિસ્થિતિનો  ભોગ ન બને તે માટે આ મુદ્દાને ગંભીર રીતે ધ્યાનમાં લેવા વિનતી કરવામાં આવી હતી.