ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (11:18 IST)

પિત્ઝાની સાઇઝ ઇંચ નહીં સેન્ટિમીટરમાં દર્શાવવી ફરજિયાત, નહીં તો દંડ થઈ શકે

મોટાભાગના પિત્ઝા આઉટલેટ પિત્ઝાનું માપ ઇંચમાં દર્શાવતા હોય છે પરંતુ તોલમાપ વિભાગનું કહેવું છે કે, આ માપ સેન્ટિમીટરમાં દર્શાવવું ફરજિયાત છે નહીં તો દંડ થઈ શકે છે. પિત્ઝા સ્મોલ, મીડિયમ કે લાર્જ સાઇઝના દર્શાવવું પણ નિયમ વિરુદ્ધ છે. તોલમાપ વિભાગે પ્રહલાદનગરના એક પિત્ઝા આઉટલેટને નિયમ ભંગ બદલ દંડ કર્યો છે. રાજ્યમાં હાઇવે પર આવેલી હોટેલ રેસ્ટોરાંમાંથી વેચાતી વસ્તુના એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોવાથી 100 હોટેલને કુલ રૂ.3 લાખ દંડ કરાયો છે. સોમવારે સાંજ સુધીમાં 300 જેટલી હોટેલોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 100 હોટેલો ગેરરીતિ કરતા દંડનીય પગલાં ભરવામાં આવ્યા હતા. કેટલીક હોટેલો સામે પ્રોસિક્યુશન કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ- ગાંધીનગરમાં એસજી હાઇવે પરની પણ અનેક હોટેલોમાંથી ગેરરીતિ પકડાઇ હતી. ગેરરીતિ જણાઇ છે તેમાં મોટાભાગના કેસો એમઆરપીથી વધુ ભાવ વસૂલવાના જણાયા હતા જ્યારે મેન્યુમાં વાનગીઓનું વજન નહીં દર્શાવવાના તેમજ પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ ડેટ, વજન, એમઆરપી, એક્સપાઇરી ડેટ જેવી વિગતો નહીં દર્શાવવાના પણ કેસ કરવામાં આવ્યા હતા. ઓઢવમાં આવેલી વન ટેન રેસ્ટોરાં અને કાકાની ભાજીપાંઉને મેન્યુ કાર્ડમાં ક્વોન્ટિટી ન દર્શાવવા બદલ દંડ ફટકારાયો છે. ઉપરાંત ઓઢવની સુરભિ રેસ્ટોરાંને મેન્યુ કાર્ડમાં નેટ ક્વોન્ટિટી ન હોવાથી તથા સાણંદની ભાગ્યોદય હોટેલના મેન્યુમાં વજન નહિ દર્શાવ્યું હોવાથી દંડ ફટકારાયો છે. પ્રહલાદનગરની ઓનેસ્ટ-પ્રિયા હોસ્પિટાલિટીમાં પિત્ઝાની યોગ્ય સાઇઝ ન દર્શાવવા બદલ, પટેલ ફૂડ વર્ક્સ, ધ ‘દ પિત્ઝાના મેન્યુ કાર્ડમાં ક્વોન્ટિટી ન દર્શાવી હોવાથી દંડ કરાયો છે. એસજી હાઈવે પરની મહારાજા હોટેલ એન્ડ પાર્લરને સિગારેટ પેકેટ પર વધુ ભાવ વસૂલ કરવા બદલ દંડ કરાયો છે. આ સિવાય પ્રહલાદનગરની ધ ઢાબા હોટેલને પણ દંડ ફટકારાયો છે. એસજી હાઈવે પર આવેલા અંબિકા દાળવડાને પણ સિગારેટ પેકેટના વધુ ભાવ લેવા બદલ દંડ ફટકારાયો છે. ફરિયાદોને પગલે તોલમાપ વિભાગે ઝુંબેશ શરૂ કરી છે.