શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 માર્ચ 2020 (15:06 IST)

રાજ્યસભાની સોદાબાજી ટાણે જીગ્નેશ મેવાણીનો ગુજરાતની જનતા-જોગ પત્ર : વેચાયેલો માલ પરત ના લેતાં!

ગુજરાતના સૌ ભાઈ-બહેનો, અત્યંત શરમપૂર્વક હું આ પત્ર લખી રહ્યો છું.

 શરમ એ વાતની છે કે હું ગુજરાતની જે વિધાનસભામાં વડગામ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એ વિધાનસભાના કેટલાક  ધારાસભ્યો એ હદે બાજારુ થઈ ગયા છે કે કોઈપણ પક્ષ એમની સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઉભેલી પ્રોડકટ હોય એમ પોતાની જાતને વેચવા તૈયાર થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી ટાણે જે ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે એ લોકોએ સોદાબાજી વિના કે રૂપિયા ખાધા વિના રાજીનામા દીધા હોય એવું હું માનતો નથી.

જોકે, શરમ એ વાતની પણ છે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં માંગ્યા દામે ખરીદવા તૈયાર બન્યા છે. આ રીતે ખરીદનાર અને વેચનારા બેયનું શું કહેવું! આકરા શબ્દપ્રયોગ બદલ માફ કરજો, પણ એ હકીકત છે કે ભારતીય જનતા પાર્ટી જાણે કોઈ ગારબેજ-યાર્ડ કે આખા ગામનો ઉકરડો હોય એમ તમામ કચરો સ્વીકારવા સદા તૈયાર હોય છે. સવાલ તો એ છે કે ધારાસભ્યોને 50-50 કરોડમાં ખરીદવાના રૂપિયા ભાજપ પાસે આવે છે ક્યાંથી! તમે તો પ્રભુ શ્રી રામના પરમભક્તો હોવાનો દાવો કરો છો, તમે તો ભારત માતાના સિપાઈઓ હોવાનો પણ દાવો કરો છો, તમે તો રાષ્ટ્રભક્તિના ઠેકેદારો પણ છો - તો તમારી પાસે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના આ કરોડો રૂપિયા આવે છે ક્યાંથી? ભારતીય જનતા પાર્ટી ફકત એક વાતનો જવાબ આપે કે ભાજપના વર્ષોથી કામ કરતાં કાર્યકરો - નેતાઓએ નવા જોડાયેલા કોંગ્રેસના આ દોગલાં નેતાઓ માટે પાથરણા બિછાવવાવા ?

આવા ચારિત્રહીન, વેચાવા તૈયાર અને ખરીદવા રેડી બનેલા સત્તા-સંપત્તિના દલાલોની કાયમ માટે ચોકડી મારીશું નહીં તો રાજકીય સોદાબાજીનું આ શર્મનાક ક્લચર ક્યારેય ખતમ નહીં થાય. આ કલચર ખતમ કરવાની જવાબદારી રાજકીય પક્ષો કરતાં ગુજરાતની સાડા 6 કરોડ જનતાની છે.

ગુજરાતની જનતા એ વેચાવા તૈયાર થયેલા આ ધારાસભ્યોને સવાલ પૂછવાની જરૂર છે કે તમે આ દેશની જનતાને સમજો છો શું? તમારાં મત વિસ્તારના જે લોકોએ ખોબલે-ખોબલે વોટ આપી તમને વિધાનસભામાં સ્થાન અપાવ્યું એ જનતા પ્રત્યે તમારી કોઈ વફાદારી છે કે કેમ? તમારામાં કઈં જમીર જેવું બચ્યું છે ખરાં ?

આખરે ધારાસભ્યોને શરમ-લાજ કે બીક કેમ નથી? કેમકે, સ્વતંત્રતાના આટલા વર્ષો દરમિયાન જેની પર ખૂનના, લૂંટના, બળાત્કારના, ભ્રષ્ટાચારના આરોપ હોય તેવા લોકોને સરપંચોથી લઈને પ્રધાનમંત્રીઓ સુધીને આપણે પોતાની નૈતિકતા નીચી કરીને પણ જીતાડતાં જ રહ્યા છીએ. હવે જયારે નેતાઓને ખબર જ છે કે તમે ગમે તેવા કાળા કામ કરો તોય લોકો તમને ચૂંટીને મોકલે જ છે, તો નેતાઓને લાજ-શરમ કે બીક બચે ક્યાંથી! આ ક્લચર માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે જ છીએ.

જેનામાં સત્તા-સંપત્તિની લાલચ ન હોય, જેને છેલ્લામાં છેલ્લામાં માણસનું કામ છેલ્લા શ્વાસ સુધી કરવું હોય, જેનામાં બંધારણની વિચારધારા હોય એવા લોકસેવકોને આપણે જ શોધીને પંચાયતથી સંસદ સુધી ચૂંટીને મોકલીશું નહીં ત્યાં સુધી આ સ્થિતિ બની રહેવાની છે. આ સંજોગોમાં આપણે, ગુજરાતની સાડા 6 કરોડ જનતાએ સંકલ્પ કરવાનો છે કે હવે આ ધંધો નહીં થવા દઈએ.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રૂપિયાના બંડલો ખાતર પ્રજા દ્રોહ કરી, પોતાના મતવિસ્તારના લાખો નાગરિકો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી જે લોકો વેચાઈ ગયા એવા લોકોને ગુજરાતની સમજદાર જનતા કાયમ માટે જાકારો આપી દે તેમજ  લોકશાહીના આવા ગદ્દારોનું જાહેરજીવન સદા સદા માટે સમાપ્ત કરી નાંખે એવી ગુજરાતની જનતાને અપીલ કરું છું. એ અનિવાર્ય બન્યું છે કે જનતા નિર્ણય લે કે અમે આવો વેચાયેલો માલ પરત લેવાના નથી.

આપણે ગુજરાતી તરીકે ભૂલીએ નહીં કે આ રવિ શંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને સરદાર પટેલનું ગુજરાત છે. પોતાને વેચીને નવરા થયેલાં આ ધારાસભ્યોએ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના ગૌરવને કલંકિત કર્યા છે.

મતવિસ્તારમાં ફાળવવાની થતી દોઢ કરોડની ગ્રાન્ટમાંથી દર વરસે 20 ટકા ટકાવારી ખાવી, ટીડીઓ-ડીડીઓ-કલેકટર-પોલીસ-બુટલેગરો પાસેથી હપ્તા ખાવા, જમીનના સોદા પાડવા, રીઅલ એસ્ટેટની સાઈટોમાં ભાગીદારી, ખાણ-ખનીજની લીઝો લેવી અને અપાવવી અને એવી અનેક ગેરકાયદે કમાણીઓ છતાં આ લોકોનું પેટ ભરાયું નહીં હોય એટલે જ રાજ્યસભાની ચૂંટણી ટાણે આ ધંધા માંડ્યા છે.

ભાઈઓ-બહેનો, હું એક ધારાસભ્ય તરીકે આપ સૌને ફરી ફરીને અપીલ કરું છું કે વેચાયેલાં આ ધારાસભ્યો અને એમને ખરીદનાર સત્તા પક્ષના ગાલ પર એવો તમાચો મારો કે એના નિશાન જોઈ બીજા ધારાસભ્યોનું ઈમાન ડગવાનું નામ ન લે!

 જય જય ગરવી ગુજરાત!

 આપનો જીજ્ઞેશ મેવાણી,
ધારાસભ્ય વડગામ 11