બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (18:13 IST)

કલોલ નગરપાલિકામાં કામો નહીં થતાં ઉશ્કેરાયેલા લોકોએ પ્રમુખ પર હૂમલો કર્યો

જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. પાલિકામાં વિકાસ કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ ઉશ્કેરાયેલા લોકોએ એકાએક મારામારી શરૂ કરી દીધી હતી. ટેબલ પર ચડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ટપલીદાવ કર્યો અને કોર્પોરેટરના પતિને ફડાકા ઝીંક્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 
 
વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી
પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રિ-ટેન્ડરિંગને લઇ વિવાદ સર્જાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રી-ટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે, વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. રિ-ટેન્ડરિંગની માંગણી કરનાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડેનો ઉધડો લીધો હતો અને પ્રશ્નો કર્યા હતા કે, તમે રિ-ટેન્ડરિંગ કેમ માગ્યું તમે વિકાસ કામમાં કેમ રોડા નાખો છો. તેમ કહીને ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
 
ટોળાએ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાયું હતું કે, હાજર લોકોએ મારામારી કરી હતી અને ખુરશી પણ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનું કહેવું છે કે,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગડે સહિતના હોદ્દેદારો સાથે ઉગ્ર બોલાચાલી બાદ લોકોએ ટપલીદાવ શરૂ કરી દીધો હતો, જ્યારે કોર્પોરેટરના પતિને ફડાકાવાળી કરી હતી. ઉશ્કેરાયેલું ટોળું ત્યાર બાદ ચીફ ઓફિસરની ઓફિસમાં ગયું હતું અને તેમને પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં હાજર કોર્પોરેટરોએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ ટોળું માનતું નહોતું. જે બાદ પોલીસ આવી જતા મામલો થાળ પડ્યો હતો. નગરપાલિકામાં આવી ચડેલા ટોળાએ માટલા ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચાર કર્યા હતા.