1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (08:45 IST)

પતંગ મહોત્સવ: આવેલા ઓસ્ટ્રેલિયાના પતંગબાજ ટ્રેક્સ જેમ્સ બેકર અને સરથ કિંગ્સલે ગુણવર્દને ચલાવે છે ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન

સુરતના આંગણે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દુનિયાના ૧૯ દેશોના ૪૨ પતંગબાજો ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના બાહોશ પતંગબાજો ટ્રેઈન્સ જેમ્સ બેકર અને સરથ કિંગ્સલે ગુણવર્દનેએ પતંગબાજીના કરતબો દેખાડ્યા હતા. તેઓ પાંચ વર્ષથી દેશ-વિદેશના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે, તેઓ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ‘કાઈટ્સ ફોર કિડ્સ’ અભિયાન ચલાવે છે. 
 
ઓસ્ટ્રેલિયાના ૭૯ વર્ષીય નિષ્ણાત પતંગબાજ સરથ કિંગ્સલે ગુણવર્દેનેએ પ્રતિભાવ આપતા કહ્યું કે, વર્ષ ૧૯૯૫માં કાઈટ્સ ફોર કિડ્સ અભિયાન અંતર્ગત અમે બંન્ને ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં જઈને પતંગ વિશે સમજ આપીએ છીએ, તેમજ પતંગબાજીને લગતું જ્ઞાન આપવા માટેના વર્કશોપ આયોજિત કરીએ છીએ. શાળાઓમાં રજા હોય ત્યારે તેને લગતા કાર્યક્રમો પણ કરીને પતંગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ છીએ. 
 
તેઓ વધુમાં જણાવે છે કે, આવનારી પેઢીમાં પતંગનો વારસો અને રસ જળવાઈ રહે તેનું શિક્ષણ બાળકોને આપીએ છીએ. આ ઉપરાંત ગ્રાફિક ડિઝાઈનિંગ, પતંગનો ઈતિહાસ, પતંગોના પ્રકારો અને પતંગ ઉડાડવામાં રાખવી પડતી કાળજી અને સેફટી અંગેની સમજ પણ આપીએ છીએ. સરથ કિંગ્સલે કહે છે કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. 
 
ગુજરાતમાં હું અને બેકર પાંચમી વખત પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છીએ. સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લેનાર ટ્રેક્સ જેમ્સ બેકર જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષથી ચાઈના, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમ, બ્રાઝિલ, થાઈલેન્ડ તથા ઈન્ડિંયાના પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. સુરતનું ભોજન મને પ્રિય છે. સુરતની પ્રજા પ્રેમાળ અને ઉત્સાહી છે.