બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2019 (10:47 IST)

આરોગ્ય રથ મારફતે 15 લાખ બાંધકામ કામદારોને ઘર આંગણે મળશે તબીબી સુવિધા

દર મહિને આશરે 75,000થી વધુ બાંધકામ કામદારોને શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામગીરી બજાવતા ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ દ્વારા  સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ મારફતે તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
 
બોર્ડ 22 જિલ્લામાં 34 ધનવંતરી આરોગ્ય રથનુ સંચાલન કરે છે અને બાંધકામના સ્થળોએ તથા કડીયાનાકાઓ પર તબીબી સોવાઓ પૂરી પાડે છે. દરેક મોબાઈલ વાન એક ડોકટર, એક નર્સ, અને બે અન્ય સ્ટાફ થી સજજ હોય છે.
 
સરકારી  આંકડા મુજબ ધનવંતરી આરોગ્ય રથ દ્વારા જુલાઈમાં 75,000થી વધુ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 79,000 થી વધુ, તથા ઓકટોબર માસમાં આશરે 72,000 બાંધકામ કામદારોને આ સુવિધા  પૂરી પાડવામાં આવી હતી.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવે છે કે ''આ મોડેલ  ડોરસ્ટેપ સર્વિસ સારી રીતે કામ કરી રહી છે, અને હવે વિસ્તારવામાં આવી રહી છે. ધનવંતરી આરોગ્ય રથ મારફતે દરરોજ સરેરાશ 2,500 થી 3,000 કામદારો લાભ લઈ રહ્યા છે. રથ શરૂ કરવામાં આવ્યા ત્યારથી 15.42 લાખ કામદારોએ તેનો લાભ લીધો છે, જેમાં આ વર્ષેજ 5 લાખથી વધુ કામદારોએ તેનો લાભ લીધો છે."
 
વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે હવે ધનવંતરી આરોગ્ય રથની કામગીરી વિસ્તારવાનુ આયોજન કરાયુ છે. આ રથને અગાઉથી નક્કી કરેલા રૂટ ઉપર મોકલવામાં આવે છે. રથની હિલચાલનુ જીપીએસ વડે મોનિટરીંગ કરાય છે. આંકડાઓને આધારે એવી પણ માહિતી મળી છે કે કામદારોમાં સામાન્યપણે શરદી, કફ, ચામડીના રોગો, શરીરનો દુખાવો, તાવ,અશક્તિ, સાંધાનો દુખાવો જેવી શારિરિક તકલીફો જોવા મળે છે.
 
જે જીલ્લાઓમાં ધનવંતરી આરોગ્ય રથ મારફતે તબીબી સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, આણંદ, મોરબી, કચ્છ, રાજકોટ અને મહેસાણાનો સમાવેશ થાય છે. ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ વેલફેર બોર્ડ અને રથના સંચાલક જીવીકે આરોગ્ય, પોષણ, સલામતિની તાલિમ, અને નશામુક્તી માટે શિબિરો ચલાવવાનું પણ આયોજન કરી રહ્યાં છે.