બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (11:25 IST)

ભાજપના મંત્રીનો વાણીવિલાસ, ‘ભાજપ સરકારના લીધે રામમંદિરનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો’

ભરૂચ: મોદી સરકારમાં નેતા ખૂબ સંભાળીને વાણીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ગેલમાં જઇ ભાજપના નેતાઓ પણ ભાન ભૂલી જાય છે. આવું કંઇક ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યું છે. નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાના મતવિસ્તારમાં કહ્યું હતું કે, રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમે કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર હોવાના કારણે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો છે. વસાવાના આ નિવેદનથી જોરદાર હોબાળો મચ્યો છે. 
 
ટીવી ચેનલ્સ પર બતાવાયેલા વિડીયોમાં વસાવા એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘દેશ આઝાદ પણ નહોતો થયો તે સમયથી રામજન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલાય લોકો તેમાં શહીદ થયા. કેટલાય આંદોલન થયો પરંતુ એ મુદ્દો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તામાં હોવાના કારણે આ સુપ્રીમ કોર્ટે આપણા તરફી જજમેન્ટ આપવું પડ્યું.’
 
મનસુખ વસાવાએ થોડા દિવસ અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બની ગયું પરંતુ તેના કારણે સ્થાનિકોને રોજગારી નથી મળતી. ભાજપના નેતાનું અયોધ્યા મુદ્દે આપેલા આ નિવેદન ભારે ચર્ચાનું કારણ બન્યું છે.