શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2019 (11:32 IST)

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના વોકઆઉટ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટી બિલ પસાર

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારને નોટિફાઇડ એરિયા જાહેર કરીને પ્રવાસન સત્તામંડળની રચના કરતું સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન બિલ વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભામાં પસાર થયું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાએ કહ્યું કે સરદાર પટેલની પ્રતિમાથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને પ્રવાસનનો વિકાસ થાય તેમાં અમને વાંધો નથી પરંતુ પ્રવાસનની ઘેલછામાં દારૂબંધીમાં મુક્તિ આપતા નહીં. પાંચ હજાર પ્રવાસીઓ ઓછા આવશે તો ચાલશે પણ નશાબંધી ઉઠાવી લેશો તો ગુજરાતની શાન ઝંખવાશે. જો કે, કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ આ કાયદાથી આદિવાસીઓના મૂળભૂત અધિકારો અને જમીન- રોજગારી છીનવાઇ જવાનો ભય વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે આદિવાસીઓની જમીન પર તેમની ભાગીદારીની વ્યવસ્થાની સરકાર ખાતરી આપે તો જ અમે સમર્થન આપીશું. આખરે વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના સિનિયર આદિવાસી ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાએ કહ્યું હતું કે આ બિલને કાયદાનું સ્વરૂપ આપવામાં ન આવે અને જો કાયદો બને જ તો સરકાર ખાતરી આપે કે આદિવાસીઓની એક ઇંચ પણ જમીન છીનવવામાં નહીં આવે.