ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (14:44 IST)

રાજ્યના તમામ ગામોને વર્ષ ૨૦૨૨ સુધીમાં પાકા રસ્‍તાથી જોડવામાં આવશે, ગામડાઓમાં મળશે પાયાની અને માળખાગત સુવિધાઓ

ગામડાઓમાં રસ્‍તા, વીજળી, શિક્ષણ, આરોગ્‍ય અને પીવાના પાણી જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સંકલ્‍પબદ્ધ છે. નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યું હતું કે રાજ્યના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે બે લાખ ચાર હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે. બજેટની જોગવાઇઓ મુજબ દરેક વિભાગ દ્વારા જનસુખાકારી અને જનસુવિધાના કામો રાજ્યના દરેક ગામમાં હાથ ધરવામાં આવ્‍યા છે. રાજ્યના તમામ ગામોને વર્ષ ૨૦૨૨ સુધીમાં પાકા રસ્‍તાથી જોડવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્‍થિતિમાં આજે નડિયાદ ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન જિલ્લા પંચાયત ભવન, રૂ.૩૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર નડિયાદ મહેમદાવાદ અમદાવાદ ચાર માર્ગિય રસ્તાના કામોનું ખાતમહૂર્ત કર્યું હતું. નાયબ મુખ્‍યમંત્રીએ ખેડા જિલ્લાના વસો ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ.૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આધુનિક સુવિધાસભર સામુહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સામુહિક આરોગ્ય કેન્દ્ર થકી વસો તાલુકાના ૨૨ ગામોની ૮૪ હજાર વસ્તીને આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે સુલભ થશે.

માતર તાલુકાના ભલાડામાં રૂ.૭૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા સાથે મહિજ, મોદજ, બોરડી, રવાલિયા અને સાઢેલી સહિત છ ગામોમાં રૂ.૧૧૨ લાખના ખર્ચે નિર્માણ થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેના દ્વારા ૧૪ ગામોની ૫૦ હજાર જેટલી વસ્તીને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. નાયબ મુખ્‍યમંત્રીનીતિન પટેલે ડીસ્‍ટ્રીક્ટ મીનરલ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા રૂા. ૭૧ લાખના ખર્ચે ફાળવવામાં આવેલ સાત એમ્‍બ્‍યુલન્‍સ વાનનું લોકાર્પણ કર્યુ હતું. નાયબ મુખ્‍યમંત્રીના હસ્‍તે પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના હેઠળ લાભાર્થીઓને ગોલ્‍ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

નાગરિકોને ઘર આંગણે સુદઢ અને અસરકારક આરોગ્‍ય  સેવાઓ મળી રહે તે માટે રાજ્યમાં આરોગ્‍ય સેવાઓનો વ્‍યાપ વધારવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મેડીકલની બેઠકો ૧૫૦૦ થી વધારીને ૫૫૦૦ બેઠકો કરવામાં આવી છે. નડિયાદમાં પબ્‍લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) આધારિત નવી મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં નડિયાદની મેડીકલ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રૂા. ૨૨.૫૦ કરોડની સહાય પણ ફાળવવામાં આવી છે.

નડિયાદ સિવીલ હોસ્‍પિટલમાં ડાયાલીસીસ સેન્‍ટર કાર્યરત કરવામાં આવ્‍યું છે જેનો કિડની રોગના હજારો દરદીઓ વિનામૂલ્‍યે લાભ લઇ રહ્યા છે. નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે રાજ્યમાં મુખ્‍યમંત્રી અમૃતમ અને મા-વાત્‍સલ્‍ય યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને અસાધ્‍ય રોગોમાં વિનામૂલ્‍યે સારવાર આપવા રાજ્ય સરકારે રૂા. ૧૪૦૦ કરોડનો ખર્ચ કર્યો છે.

ખેડા જિલ્‍લામાં મા-અમૃતમ હેઠળ ૯૩૦૪ લાભાર્થીઓ પાછળ રૂા. ૧૮ કરોડ તથા મા-વાત્‍સલ્‍ય યોજના હેઠળ ૫૧૫૯૩ લાભાર્થીઓ પાછળ રૂા. ૮૭ કરોડનો માતબર ખર્ચ  રાજ્ય સરકારે કર્યો હોવાનું તેમણે જણાવ્‍યું હતું. નીતિન પટેલે ઉમેર્યુ કે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના હેઠળ પણ રૂા. પાંચ લાખ સુધીની સારવાર સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે ગરીબ અને મધ્‍યમવર્ગના પરિવારોને આપવામાં આવે છે. કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટે કૂપોષિત બાળકોને પોષણક્ષમ આહાર, આદિજાતિ વિસ્‍તારોમાં દુધ સંજીવની યોજનાનો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.

નીતિન પટેલે ઉમેર્યુ કે ખેડા જિલ્‍લામાં છેલ્‍લા ત્રણ વર્ષમાં રૂા. ૧૪૦૩ કરોડના ખર્ચે ૨૦૧૯ કિ.મી. ના રસ્‍તાના ૮૯૨ કામો હાથ ધરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત નડિયાદ – મહેમદાવાદ માર્ગને ચારમાર્ગીય કરવાના કામનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્‍લામાં કરોડોના ખર્ચે જનસુખાકારી અને જન સુવિધાના કામો કરવામાં આવ્‍યા છે. જિલ્‍લામાં આજે ૧૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાપર્ણ / ખાતમૂર્હત થયું છે. જેનાથી જિલ્‍લાના વિકાસને વધુ વેગ મળશે.