ગુજરાતમાં એક વિસ્તાર એવો નહીં હોય જ્યાં દારુની પોટલી ના મળતી હોયઃ શંકરસિંહ બાપુ
ગુજરાતમાં દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે ગઇકાલે કહ્યુ હતું કે આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. જે બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકારને દારૂબંધી પર ફરી વિચારણા કરવી જોઇએ. બાપુએ આગળ જણાવતા કહ્યું કે, 'અશોક ગહલોતે શાબ્દિક રીતે કંઇ કહ્યું હશે પરંતુ રાજ્યનો એક એવો એક કિલોમીટર પણ એવો નહીં હોય કે ત્યાં દારૂની પોટલીઓ નહીં મળતી હોય. હું ગાંધીનગરમાં રહું છું. જો રાજ્યપાલ અને મુખ્યમંત્રીનાં બંગલાની પાછળ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તો દારૂબંધી કેવી. શરમ છે સરકારને અને દારૂબંધીને. આની પર ફરીથી વિચાર કરવો જોઇએ. આ દારૂબંધી રાખો કે દારૂબંધી કાઢો.આ બધી ડ્રામાબાજીમાં આપણી જાતને છેતરવાની વૃત્તિ છે.