શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (16:55 IST)

કચ્છના દરિયાની સામે જ પાકિસ્તાન, રશિયા અને અમેરિકા સહિત 46 દેશો સાથે કરશે મરિન કવાયત

1971ના યુદ્ધ બાદ પાકિસ્તાન અરબ સાગરમાં ભારતની સમકક્ષ થવાના હવાતીયા મારી રહ્યું છે. પરંતુ તેમા તેને સફળતા મળી રહી નથી. તેવામાં હવે પાકિસ્તાન નેવીની આગેવાનીમાં કરાચી ખાતે ગુરૂવારથી અમન નામની એક મરિન કવાયત શરૂ થઇ રહી છે. કચ્છને અડીને આવેલા આ અરબ સાગરમાં હાથ ધરાનાર આ કવાયતમાં રશિયા અને નાટો દેશો સહિત કુલ 46 દેશો ભાગ લઇ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતા કેટલાક એકાઉન્ટ દ્વારા ગ્વાદર નજીક એક રશિયન સબમરીન પણ હોવાનો દાવો કર્યો હતો. જે આ કવાયતના ભાગ રૂપે પાકિસ્તાની દરિયાઇ વિસ્તારમાં આવી હોવાનુ બહાર આવી રહ્યું છે. આ તમામ ગતિવિધિના લીધે કચ્છમાં પણ વિવિધ એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે. એક બીજાના વિરોધી લેખાતા નાટો અને રશિયા એક દાયકામાં પ્રથમ વખત સાથે આવી રહ્યાં છે. જેના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મરિન કવાયત અને અરબ સાગર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રશિયાની નૌકાદળ દ્વારા નાટોના સભ્યો સાથે સંયુક્ત સૈન્ય કવાયત છેલ્લે 2011 માં “બોલ્ડ મોનાર્ક” કરી હતી, જે સ્પેનના દરિયાકિનારે યોજાઇ હતી. હવે પાકિસ્તાન પાસેના અરબ સાગરમાં આવી ઘટના બની રહી છે. આ કવાયતના લીધે પાકિસ્તાની નેવી ફુલીને સમાઇ રહી નથી. સોશિયલ મીડિયા તથા સરકારી માધ્યમોમાં મોટામોટા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. “ટુગેધર ફોર પીસ” ના ટેગ હેઠળ અમન 2021’ નામની આ કવાયત 11 ફેબ્રુઆરીથી પાકિસ્તાની જળસીમા કરાચીથીમાં શરૂ થશે છે અને 16 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ કવાયત 2007થી યોજાઇ રહી છે. અમન 2021 કવાયતમાં કુલ 46 દેશો ભાગ લેશે જેમાં યુએસ, ચીન, રશિયા, યુકે, તુર્કી, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા,આશિયાન, દક્ષિણ એશિયા, આફ્રિકન યુનિયન, ઇયુ, જીસીસી અને અન્ય દેશોના ભાગ લેનારા નેવીનો કાફલો શામેલ છે. આમ તો કચ્છ કે ભારતને આ કવાયતથી કોઇ નુકસાન નથી. પરંતુ તેની આડમાં પાકિસ્તાન દુનિયાને તથા ભારતને પોતાની બડાઇનો સંદેશો આપવા માંગી રહ્યું છે. પાકિસ્તાની નેવી તથા ત્યાના સમાચાર માધ્યમોએ મોટે ઉપાડે આ અંગે ઢોલનગારા વગાડવાના શરૂ કરી દીધા છે. આ કવાયત અંગેના એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાને જણાવ્યું હતું કે કે શાંતિ માટેના અંતરાયોને દૂર કરવા અને સામાન્ય ઉદ્દેશોને અનુલક્ષીને મળીને કામ કરવાના હેતુથી આ કવાયત હાથ ધરાઇ રહી છે. પાકિસ્તાન માને છે કે દરિયાઇ સુરક્ષા ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ અન્ય તમામ દેશો માટે પણ છે કે જેમની સમૃદ્ધિ અને પ્રગતિ સમુદ્ર સાથે બંધાયેલી છે. નોંધનીય છે કે સિંઘમાં આવેલા એરબેઝ ખાતે તાજેતરમાં જ પાકિસ્તાને ચીન સાથે હાવઇ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. ત્યારે ચીનના જંગી હવાઇ જહાજો અને અત્યાધૂનિક ફાઇટર પ્લેન પણ છેક સિંઘ સુધી આવી આ કવાયતમાં ભાગ લીધો હતો.આ પ્રકારની યુદ્ધ અભ્યાસ સીધી રીતે ભારત પર દબાણ વધારવા આયોજીત કરાઇ હતી. આ બહુરાષ્ટ્રીય કવાયતનો ઉદ્દેશ પ્રાદેશિક સહયોગ અને સ્થિરતા સ્થાપતિ કરવાનો તથા ચાંચિયાગીરી અને આતંકવાદ સામે સંયુક્ત સંકલ્પ દર્શાવવાનો છે. કવાયત પાકિસ્તાનના વિવિધ પોર્ટ અને દરિયામાં થશે.