શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , મંગળવાર, 12 માર્ચ 2024 (16:27 IST)

વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખનું ભેદી મૃત્યુ, મહિ નદીમાંથી મૃતદેહ મળ્યો

Mysterious death of BJP ward president in Vadodara
Mysterious death of BJP ward president in Vadodara
શહેરમાં ભાજપના વોર્ડ પ્રમુખનું ભેદી મૃત્યુ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે.માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર-18 ના પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ આંકલાવ તાલુકાના ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહિ નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. વોર્ડ પ્રમુખે ઘરકંકાસથી ત્રાસીને આપઘાત કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ તેમની પત્નીએ પોલીસ સ્ટેશનમાં માર માર્યાની ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો પણ કેટલાક લોકોના કારણે સમાધાન થયું હતું. 
 
પાર્થને તેની પત્ની સાથે ખટરાગ હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર-18માં ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો થોડા સમયથી તેની પત્ની સાથે ખટરાગ ચાલતો હતો અને તેના કારણે પત્ની તેના પુત્ર સાથે પિયરમાં રહેતી હતી. દોઢ માસ પહેલાં પત્ની પુત્રને લઇને સાસુને મળવા માટે આવી હતી. તે સમયે પાર્થે પત્નીને ઘરે કેમ આવી છે? તેમ કહી માર માર્યો હતો. પાર્થે છોડાવવા વચ્ચે પડેલી તેની માતાને પણ મારી હતી. આ મામલો ઉગ્ર બનતા પત્ની પુત્રને લઇને માંજલપુર પોલીસ મથકમાં પાર્થ સામે ફરિયાદ કરવા માટે પહોંચી હતી.
 
પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી 
આ બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલરોને થતાં તેઓ પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને પ્રમુખ પાર્થ પટેલ તથા તેની પત્નીને સમજાવી બંને વચ્ચે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના પછી પણ પાર્થ અને તેની પત્ની વચ્ચે ખટરાગ ચાલુ હતો.આજે આંકલાવ તાલુકાના ઉમેટા ગામ પાસેથી પસાર થતી મહિ નદીમાંથી પાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. નદી કિનારેથી પાર્થ પટેલનું હેલ્મેટ લટકાવેલ મોપેડ પણ મળી આવ્યું હતું. બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલરોને થતાં તેઓ નદી કિનારે પહોંચી ગયા હતા. તે સાથે આંકલાવ પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.