ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2024 (15:06 IST)

નાસિકથી ભરૂચ આવી રહેલી ડુંગળી ભરેલ ટ્રકમાં આગ લાગી, અડધો કલાક નેશનલ હાઇવે બ્લોક

fire in truck
fire in truck


- ડુંગળી ભરેલી ટ્રક નાસિકથી ભરૂચ જઈ રહી હતી
- અચાનક કેબિનમાંથી ધુમાડા નીકળતા ટ્રકચાલકે સમય સૂચકતા વાપરી ટ્રક ઓવરબ્રિજ પર ઊભી રાખી
- ચાલક ટ્રક નીચે ઊતરી થોડે દૂર જાય એટલા સમયમાં જ ટ્રકમાં આગ લાગી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર કીમ ચાર રસ્તા નજીક એક ડુંગળી ભરેલી ટ્રક નાસિકથી ભરૂચ જઈ રહી હતી. તે દરમિયાન અચાનક કેબિનમાંથી ધુમાડા નીકળતા ટ્રકચાલકે સમય સૂચકતા વાપરી ટ્રક ઓવરબ્રિજ પર ઊભી રાખી દીધી હતી. ચાલક ટ્રક નીચે ઊતરી થોડે દૂર જાય એટલા સમયમાં જ ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

બનાવની જાણ સ્થાનિક સુમિલોન ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલોન ફાયર વિભાગના ફાયર ઓફિસર ભાવેશ ગામિત સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. આગની લપેટમાં આવી ગયેલી ટ્રક પર પાણીનો મારો ચલાવ્યો હતો. લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર કાબૂ લેવામાં સફળતા મળી હતી.સ્થળ પર દોડી ગયેલ સ્થાનિક પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. જેને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સદનસીબે ટ્રકચાલક ટ્રકમાંથી નીચે ઊતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. જેને લઈને હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટસર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન છે