શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2022 (18:14 IST)

સુરતમાં એનસીબીની મોટી કાર્યવાહી, 1.45 કરોડનો 724 કિલો ગાંજો જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રૂ. 1.45 કરોડની કિંમતનો 724 કિલો ગાંજા જપ્ત કર્યો છે, જે ઓડિશાથી ટ્રકમાં દાણચોરી કરીને સુરત લાવવામાં આવ્યો હતો. NCBએ છ લોકોની ધરપકડ કરી છે, જેમાં ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ લેવા આવેલા લોકો પણ સામેલ છે. એજન્સીના અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સર્વેલન્સ પછી, NCBની એક ટીમે ટ્રક તેમજ કન્સાઇનમેન્ટના રીસીવરને અટકાવ્યા હતા જ્યારે માદક દ્રવ્યોની ડિલિવરી (સુરતમાં) ચાલી રહી હતી." રીસીવર સહિત છ લોકોની બે વાહનો અને એક લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.
 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જણાવ્યું હતું કે, કન્સાઇનમેન્ટ જપ્ત કરવાથી માદક દ્રવ્યોની સપ્લાય ચેઇન અને ગુજરાતમાં ગાંજાની દાણચોરી સાથે સંકળાયેલા મુખ્ય આંતર-રાજ્ય નેટવર્કને અસર થશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે સત્તાવાર રીતે મૂલ્યાંકન આપી શકતા નથી, પરંતુ જપ્ત કરાયેલા નાર્કોટિક્સની કિંમત બજારમાં રૂ. 20,000 પ્રતિ કિલો હોઈ શકે છે. હાલના જપ્ત કરાયેલા કન્સાઈનમેન્ટની કિંમત લગભગ 1.45 કરોડ રૂપિયા હોઈ શકે છે. NCB દ્વારા જૂનમાં ગુજરાતમાં પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવાની આ ત્રીજી મોટી સિદ્ધિ છે.
 
પોલીસે ફારૂક ચાંદ શેખ, ફરહાન નાસીર પઠાણ, અરુણ ટીનસ ગૌડા, હેમરાજ ભીખાન ઠાકરે, સાબીર શેખ અને સાકિલ શેખની ધરપકડ કરી છે. શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, “ડ્રગ સ્મગલરો શહેરમાં પ્રતિબંધિત પદાર્થો લાવવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. અમે વિવિધ ડ્રગ ડીલિંગ નેટવર્ક્સને નિશાન બનાવ્યા છે અને ભૂતકાળમાં ઘણી ધરપકડો કરી છે."
 
આ મહિનામાં NCB દ્વારા ગુજરાતમાં પ્રતિબંધિત પદાર્થની આ ત્રીજી મોટી જપ્તી છે. અગાઉ, NCBએ દક્ષિણ ગુજરાતમાં એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને 68 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. અન્ય એક ઓપરેશનમાં તેણે અમદાવાદમાં 523 કિલો ગાંજા જપ્ત કર્યો હતો.