રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (15:44 IST)

દિવ અને દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરુ થશે, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન મોદીના હસ્તે 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ દીવ વચ્ચેની વિમાની સેવા અને દીવ દમણ વચ્ચેની હેલીકોપ્ટર સેવાનું રિમોટથી લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય વિકાસ કામોના પણ લોકાર્પણ કરવામાં આવશે તેમ કલેકટર કચેરીના સુત્રોએ  જણાવ્યું હતું. મંત્રી પ્રફુલ પટેલના પ્રયાસોથી 2017 માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીવની તથા 2017માં દાદરાનગર હવેલીની પણ મુલાકાત લીધી હતી. દીવની મુલાકાત વખતે વડાપ્રધાને અલગ અલગ યોજના હેઠળ અનેક વિકાસ કામો મંજુર કર્યા હતા.

આ ઉપરાંત દીવનો સ્માર્ટ સીટીમાં પણ સમાવેશ કરાયો છે.  દમણ સાથે દીવમાં પણ વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાનાર હોય તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. દમણમાં બેઠા વડાપ્રધાનના હસ્તે રિમોટથી દીવમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થશે. તેમના હસ્તે દીવ અમદાવાદ વચ્ચે વિમાની સેવા અને દીવ દમણ વચ્ચેની હેલીકોપ્ટર સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે. દીવમાં કલેકટર હેમંતકુમારના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. દીવ કલેકટર હેમંતકુમારે જણાવ્યું કે દમણ, દીવ વચ્ચે હેલીકોપ્ટર સેવા અને દીવ અમદાવાદ વચ્ચે વિમાની સેવાની સુવિધાનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ કરાશે.આ પ્રસંગે ઉડ્ડયન મંત્રી પી.એ.ગજપતિ રાજુ ઉપસ્થિત રહેશે. જે અહીંથી લીલીઝંડી આપશે. દીવ દમણ વચ્ચે હેલીકોપ્ટર સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ હેલીકોપ્ટરમાં 10 મુસાફરો મુસાફરી કરી શકશે. માત્ર એક કલાકના સમયમાં દીવથી દમણ પહોંચી શકાશે અને ટિકિટનો દર વ્યકિત દીઠ 3 હજાર રૂપિયા રહેશે. દીવ દમણ વચ્ચે 700 કિ.મી.નું અંતર છે જેથી લોકોનો સમય વેડફાતો અટકશે અને જનતાને વધુ સારી સુવિધા મળશે.